શેઠના વેપારમાંથી ખોટી રીતે કમીશન કાઢીને યુવકે બનાવ્યો બંગલો, પછી તેની સાથે જે થયું તે બોધ આપનારું છે 

0
482

“અહંકારની અવદશા”

એક ઉદ્યોગપતિ હતા. તેઓ ઘણા દયાળુ, બુદ્ધિશાળી, અને ધાર્મિક. થોડાં વર્ષો પહેલાં તેમને ત્યાં બધી રીતે નિષ્ફળ થયેલ એક યુવાન આવ્યો. નિરાશ થયેલા યુવાને પોતાની વેદના-વ્યથા એ સંસ્કારી ઉદ્યોગપતિને કહી.

દયાળુ, પરગજુ ઉદ્યોગપતિએ તેને નોકરીમાં રાખી લીધો. કેટલાંક વર્ષો પછી એ યુવાનને પોતાનો અંગત સચિવ પણ બનાવી દીધો! યુવાનને ઉધોગપતિના અંગત સચિવ તરીકે બહુ જ માનપાન મળવા લાગ્યાં, પરંતુ તે પચાવી શક્યો નહિ. જતે દિવસે યુવાનમાં અહંકારે પ્રવેશ કર્યો. હવે તે પોતાને જ ઉદ્યોગપતિની સમકક્ષ સમજવા લાગ્યો. શેઠને ગેરમાર્ગ પર દોરતો હતો.

લાખો-કરોડોના વહેપારમાં તે કમિશન કાલવા લાગ્યો. બહુ મોડા મોડા શેઠને એની જાણ થઈ, પરંતુ શેઠ ભારે ઉદાર, માયાળુ તેથી કશું જ પગલું લીધું નહિ.

હવે પેલાએ પોતાના શેઠની જેમ ઠાઠમાઠથી રહેવાનું શરૂ કર્યું, અને બહુ મોટું મકાન બનાવ્યું. મહેલ જેવું મકાન.

મકાનના ઉદ્ઘાટન (વાસ્તુ) પ્રસંગે શેઠને બોલાવ્યા.

શેઠ તેના બંગલે ગયા. બધું જોયું, નિરીક્ષણ કર્યુ. શેઠને અતિ આશ્ચર્ય થયું! વિશાળ બંગલો. રાચરચીલું ભવ્ય. ઘરના કોટાસ્ટોન-આરસપહાણ જોઈ શેઠે કહું : “વાહ ભાઈ વાહ! મારા બંગલા કરતાં પણ તારો બંગલો સારો છે!”

“એમ ને એમ થોડો થયો છે? મહેનત કરીએ છીએ!’ પેલા યુવાને કહયું – અને શેઠનો પિત્તો ગયો. શેઠ તેની પોલંપોલ અને કમિશન ખાવાની ટેવ જાણતા હતા. બીજે જ દિવસે શેઠે વર્ષો સુધીનો બંધાયેલ સંબંધ તોડી નાખ્યો. નોકરીમાંથી છુટો કર્યો, ત્યાર પછીની એ યુવાનની દશા દિનપ્રતિદિન અવદશામાં પલટાવા લાગી…

અહંકારની અવદશામાં હવે તે ધકેલાઈ રહ્યો છે.

સ્વાતિબિંદુ :

અહંકારીની અવદશા થાય છે.

અહંકાર પડતીનું મૂળ કારણ છે.

મહેનતનો પૈસો જ ટકે છે.

વાણીમાં મધુરતા હોવી જોઈએ.

નમ્રતા જ માનવીને મહાન બનાવે છે.

(સફળતાના સ્વાતિબિંદુ માંથી)