ટીવી પર આવતી સિરિયલને ડેઈલી સોપ કેમ કહેવામાં આવે છે, શું તમને ખબર છે તેનું કારણ.
ટીવી પર તમામ પ્રકારની સિરિયલો આવે છે. સાસ-બહુના ષડયંત્રથી માંડીને હળવી કોમેડી સુધીની સિરિયલો લોકોને ખુબ પસંદ આવે છે. આ દૈનિક સિરિયલોને ‘ડેઈલી સોપ’ કહેવામાં આવે છે. પણ સવાલ એ છે કે ડેઈલી સોપ જ કેમ? આખરે આ સિરિયલોને સાબુ સાથે શું લેવાદેવા છે? કારણ કે, આ ટીવી સિરિયલોમાં નહાવા-ધોવાના દ્રશ્યો પણ ખાસ દેખાતા નથી. હા, એ અલગ વાત છે કે મોટાભાગની સિરિયલો ચોક્કસ રીતે બુદ્ધિથી હાથ ધોઈને જ બનાવાય છે.
ટીવી સિરિયલોને ડેઈલી સોપ કહેવાનું કારણ શું છે?
આ પ્રશ્નનો જવાબ 20 મી સદીમાં અમેરિકાના ઈતિહાસમાં છુપાયેલો છે. વાત 1920 ના દાયકાની છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં રેડિયો સ્ટેશનો જાહેરાતો દ્વારા રેટિંગ વધારવા માટે બેબાકળા હતા. તે દિવસોમાં જાહેરાતો સરળતાથી મળતી ન હતી. ત્યાં ઘણી મોટી કંપનીઓ ન હતી, જે ઘણી બધી જાહેરાતો આપે.
જો કે, રેડિયો એક્ઝિક્યુટિવ્સ ઘરનો સામાન વેચતી બ્રાન્ડ્સને શોને સ્પોન્સર કરવા માટે સમજાવવામાં સક્ષમ હતા. પરંતુ તે બ્રાન્ડ્સનું આવું કરવું ત્યારે જ સફળ થઈ શકતું હતું જ્યારે લોકો તેમની પ્રોડક્ટમાં રસ બતાવે. આવી સ્થિતિમાં તેમની ટાર્ગેટ ઓડિયન્સ બની ઘરેલું કામ કરતી મહિલાઓ.
તે સમયે મોટાભાગની કંપનીઓ આ ગણિત સમજી શકી ન હતી, પરંતુ સાબુ અને ડિટર્જન્ટ બનાવતી પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) આ બાબતે તેજ નીકળી. તે સમજી ગઈ કે જો તેણે બજારમાં તેના હરીફ લીવર બ્રધર્સને હરાવવી હોય તો આ એક સુવર્ણ તક હોઈ શકે છે. તેથી P&G એ 1933 માં મા પર્કિન્સ (Ma Perkins) નામના રેડિયો શોને સ્પોન્સર કરીને તેના ઉત્પાદન ઑક્સીડોલની જાહેરાત કરી. તે એક ડ્રામા શો હતો.

P&G એ તક જોઈને જોરદાર ફટકો મારી દીધો. કારણ કે શો દરમિયાન વચ્ચે વચ્ચે ઓક્સીડોલની જાહેરાતો આવતી હતી. જ્યારે યુએસના કેટલાક શહેરોમાં આ કોમ્બોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે તેમને મોટી સફળતા મળી હતી. એવું જોવામાં આવ્યું કે જે લોકો આ શો રોજ જોતા હતા, તેઓ આ પ્રોડક્ટ ખરીદવા માટે સ્ટોર પર જવા લાગ્યા હતા. કંપનીનું વેચાણ એટલું વધી ગયું કે તેમણે પોતે આ શો બનાવવાનું શરૂ કર્યું. ઉપરાંત, તે તેના સાબુની એડ્સ વચ્ચે વચ્ચે ચલાવતા હતા. આ કારણે, આ કાર્યક્રમોને સોપ ઓપેરા અથવા ડેઈલી સોપ તરીકે ઓળખવામાં આવે છે.
તેણે અન્ય એવોર્ડ વિજેતા શો બનાવ્યા, જેણે વફાદાર પ્રેક્ષકો બનાવવામાં મદદ કરી. આ વ્યૂહરચના એટલી અસરકારક સાબિત થઈ કે તે પછીથી વિશ્વભરની બ્રાન્ડ્સ દ્વારા અપનાવવામાં આવી. બાદમાં રેડિયોનું સ્થાન ટીવીએ લીધું. પરંતુ આ પદ્ધતિ બદલાઈ નથી. ઉપરાંત, તેઓ ડેઈલી સોપ તરીકે જ ઓળખાતા રહ્યા.
આજે, ભલે પ્રોગ્રામ્સ કે સિરિયલોની થીમ બદલાઈ ગઈ હોય, તે અન્ય પ્રોડક્ટ્સ દ્વારા પ્રાયોજિત થવા લાગી છે, પરંતુ તેમ છતાં તેને ડેઈલી સોપ કહેવામાં આવે છે. આ રીતે, આ શબ્દ જે પશ્ચિમી વિશ્વમાંથી ઉદ્દભવ્યો તે સમગ્ર વિશ્વમાં ફેલાયો છે અને હજુ પણ ઉપયોગમાં લેવાય છે.
આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.