હિંદુ ધર્મમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની જોડી સૌથી પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સંસારનું પાલન કરે છે, અને માતા લક્ષ્મી સુખ સમૃદ્ધી આપે છે. માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને કાયમ એક સાથે જ જોવામાં આવે છે. પરંતુ એક સમય એવો આવ્યો હતો જયારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને પૃથ્વી ઉપર છોડીને વૈકુઠ પાછા આવી ગયા હતા, અને તેમણે માતા લક્ષ્મીને એક માળીના ઘરમાં નોકરાણી બનીને રહેવાનો શ્રાપ આપી દીધો હતો.
એક પૌરાણીક કથા મુજબ એક વખત ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર જવાનું વિચાર્યું, પરંતુ જયારે તે પૃથ્વી ઉપર આવવા લાગ્યા તો માતા લક્ષ્મીએ પણ તેમની સાથે પૃથ્વી ઉપર આવવાની જિદ્દ કરી, અને કહ્યું કે તેમને પણ પૃથ્વી ઉપર ફરવું છે. માતા લક્ષ્મીએ વિષ્ણુને ઘણા મનાવ્યા, પછી ભગવાન વિષ્ણુ તેમને પોતાની સાથે પૃથ્વી ઉપર લઇ જવા માટે રાજી થઇ ગયા. પરંતુ તેમણે એક શરત મૂકી કે પૃથ્વી ઉપર જઈને તમારે ઉત્તર દિશા તરફ જોવું નહિ કે તે દિશામાં જવું પણ નહિ. માતા લક્ષ્મીએ તરત જ ભગવાન વિષ્ણુની શરત સ્વીકારી લીધી અને તેમની સાથે પૃથ્વી લોક ઉપર આવી ગયા.

જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પૃથ્વી ઉપર આવ્યા, તો એ સમયે સૂર્ય દેવ ઉદય જ થયા હતા, અને તેની એક રાત પહેલા જ વરસાદ થયો હતો, જેને કારણે ચારે તરફ હરિયાળી હરિયાળી છવાયેલી હતી, અને પૃથ્વી વધુ સુંદર જોવા મળી રહી હતી. પૃથ્વીની આ સુંદરતા જોઇને લક્ષ્મીજી એટલા ખુશ થઇ ગયા કે તે ભૂલી ગયા કે તેમણે વિષ્ણુજી પાસેથી કોઈ વચન લીધું હતું. અને માતા લક્ષ્મી ઉત્તર દિશા તરફ ફરી ગયા અને એક સુંદર બગીચામાં જતા રહ્યા. જ્યાં સુંદર સુંદર ફૂલ ખીલેલા હતા. માતા લક્ષ્મીએ બગીચામાંથી એક ફૂલ તોડ્યું અને તે પાછા ભગવાન વિષ્ણુ પાસે આવી ગયા, જયારે તે પાછા ફર્યા તો તેમણે જોયું કે ભગવાન વિષ્ણુની આંખોમાં આંસુ હતા.
એ જોઇને માતાએ તેમને પ્રશ્ન કર્યો કે, તે દુ:ખી કેમ છે? ત્યારે વિષ્ણુજી બોલ્યા કે કોઈને પૂછ્યા વગર તેની વસ્તુને હાથ ન લગાવવો જોઈએ, અને તેમણે માતા લક્ષ્મીને પોતાનું વચન યાદ અપાવ્યું. માં લક્ષ્મીએ તેમની ભૂલનો અનુભવ થયો અને તેમણે પોતાની ભૂલ માટે ક્ષમા પણ માંગી. તો વિષ્ણુજીએ કહ્યું કે તમે ભૂલ કરી છે તો હવે તમને સજા જરૂર મળશે. ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને શ્રાપ આપ્યો, કે જે માળીના બગીચા માંથી તમે આ ફૂલ પૂછ્યા વગર તોડીને લાવ્યા છો, તમારે તેના ઘરમાં નોકર બનીને રહેવું પડશે અને ત્યાર પછી તમે વૈકુઠ પાછા આવી શકો છો.
ભગવાન વિષ્ણુના આદેશ મુજબ માં લક્ષ્મીએ એક ગરીબ મહિલાનું રૂપ ધારણ કર્યુ, અને તે માળીના ઘરમાં ગયા. માળીનું નામ માધવ હતું. તે એક ઝુપડીમાં પોતાની પત્ની અને બે દીકરા અને ત્રણ દીકરીઓ સાથે રહેતો હતો. માં લક્ષ્મી જયારે એક ગરીબ મહિલા બનીને માધવની ઝુપડી પાસે પહોંચ્યા, તો માધવએ તેમને પૂછ્યું બહેન તમે કોણ છો?
ત્યારે માં લક્ષ્મીએ કહ્યું કે હું એક ગરીબ મહિલા છું, અને મારી દેખરેખ કરવા વાળું કોઈ નથી, મેં ઘણા દિવસોથી ખાધું પણ નથી, મારો કોઈ સહારો નથી. હું તમારા ઘરમાં કામ કરીશ અને તેના બદલામાં તમે મને તમારા ઘરમાં એક ખૂણામાં આશરો આપી દો.
તે મહિલાની વાત સાંભળીને માધવને દયા આવી ગઈ અને તેણે માં લક્ષ્મીને પોતાની દીકરી સમજીને પોતાની સાથે રાખી દીધી. વાર્તા મુજબ જે દિવસે માં લક્ષ્મી માધવની ઝુપડીમાં રહેવા આવ્યા હતા ત્યારથી તેને ઘણો ફાયદો થયો. પહેલા તો તેના બધા ફૂલ વેચાવાથી એટલી આવક થઇ, કે તેણે સાંજ સુધીમાં એક ગાય ખરીદી લીધી. થોડા સમય પછી જમીન ખરીદી લીધી અને બધા માટે સારા સારા કપડા પણ સીવડાવ્યા. થોડો સમય પસાર થયા પછી માધવે એક મોટું પાક્કું મકાન ખરીદી લીધું. માધવ હંમેશા એવું લાગતું હતું કે આ બધું તે મહિલાના આવ્યા પછી મળ્યું છે.
એક દિવસ માધવ કામ કરીને પાછો પોતાના ઘરે આવ્યો, તો તેને પોતાના ઘરની બહાર ઘરેણાથી સજ્જ અને ચહેરા ઉપર તેજ વાળી એક દેવી સ્વરૂપ મહિલા જોઈ. જયારે તે તેની નજીક ગયા તો તેને ખબર પડી કે આ મહિલા તેની મોઢે માનેલી ચોથી દીકરી છે. ત્યાર પછી તેને ખબર પડી કે તેની ચોથી દીકરી સ્વયં માં લક્ષ્મી હતા.
તે જાણીને માધવ બોલ્યા, હે માં અમને ક્ષમા કરો, અમે તમારી સાથે અજાણતામાં ઘર અને ખેતરમાં કામ કરાવ્યું. હે માં આ કેવો ગુનો થઇ ગયો, હે માં અમને બધાને માફ કરી દો.
આ સાંભળીને માં લક્ષ્મી હસ્યા અને કહ્યું, હે માધવ તમે ઘણા જ સારા અને દયાળુ વ્યક્તિ છો. તમે મને દીકરીની જેમ રાખી, તમારા પરિવારના સભ્ય બનાવ્યા, તેના બદલામાં હું તમને વરદાન આપું છું. કે તમારી પાસે ક્યારે પણ ખુશીઓની અને ધનની કમી નહિ રહે. તમને તમામ સુખ મળશે જેના તમે હક્કદાર છો. ત્યાર પછી માં લક્ષ્મી પાછા વિષ્ણુજી પાસે જતા રહ્યા.
ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.