શા માટે ટૂથપેસ્ટની ટ્યુબમાં રહેલી પેસ્ટના અલગ અલગ રંગો એકબીજામાં મિક્સ નથી થતા, જાણો કારણ.
એવું માનવામાં આવે છે કે, ઇજિપ્તવાસીઓએ ‘ટૂથબ્રશ’ ની શોધ થઈ તે પહેલા જ લગભગ 5000 BC ની આસપાસ પોતાના દાંત સાફ કરવા માટે ‘ટૂથપેસ્ટ’ નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. પ્રાચીન ગ્રીક અને રોમન લોકો પણ ‘ટૂથપેસ્ટ’ નો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે. 500 બીસીની આસપાસ ચીન અને ભારતના લોકોએ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન કુદરતી વસ્તુઓમાંથી ‘ટૂથપેસ્ટ’ બનાવવામાં આવતી હતી.
આધુનિક સમયમાં ટૂથપેસ્ટ 1800 ના દશકમાં રજૂ કરવામાં આવી હતી. પ્રારંભિક સંસ્કરણોમાં સાબુના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે 1850 ના દાયકામાં ચાક ઉમેરવામાં આવ્યું હતું. 1800 ના દશકમાં ઈંગ્લેન્ડમાં ટૂથપેસ્ટમાં સોપારીનો ઉપયોગ થતો હતો. 1850 ના દાયકા પહેલા ‘ટૂથપેસ્ટ’ સામાન્ય રીતે પાવડર રૂપમાં આવતી હતી.
1850 ના દશકમાં જ બરણીમાં નવી ટૂથપેસ્ટ વિકસાવવામાં આવી હતી, જેને ક્રેમ ડેન્ટિફ્રિસ કહેવાય છે. 1873 માં કોલગેટે બરણીમાં ટૂથપેસ્ટનું મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું. એ પછી કોલગેટે 1890 ના દશકમાં ટૂથપેસ્ટને આધુનિક ‘ટૂથપેસ્ટ ટ્યુબ’ તરીકે રજૂ કરી.

1890 થી લઈને આજ સુધી સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારની ‘ટૂથપેસ્ટ’ નો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન માત્ર ‘ટૂથપેસ્ટ’ જ નહીં પરંતુ ટૂથપેસ્ટની ટ્યુબનો આકાર પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. અગાઉ એક જ રંગની ‘ટૂથપેસ્ટ’ મળતી હતી. પરંતુ પાછળથી વિવિધ રંગોની ‘ટૂથપેસ્ટ’ મળવા લાગી. જ્યારે આજે એક જ ‘ટૂથપેસ્ટ ટ્યુબ’ (Toothpaste Tube) માં વિવિધ રંગોની ‘ટૂથપેસ્ટ’ પણ મળી રહી છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે, ‘ટૂથપેસ્ટ ટ્યુબ’ ની અંદર રહેલી અલગ-અલગ રંગોની ‘પેસ્ટ’ એકબીજામાં મિક્સ કેમ નથી હતું? બહાર ગરમી હોય કે ઠંડી પણ તેની અસર ટ્યુબમાં રહેલી ટૂથપેસ્ટ પર કેમ નથી થતી? ચાલો જાણીએ તેની પાછળનું સાચું કારણ શું છે?
ટૂથપેસ્ટ ટ્યુબને સ્ક્વિઝ ટ્યુબ (Squeeze Tube) અથવા કોલેપ્સિબલ ટ્યુબ (Collapsible Tube) પણ કહેવામાં આવે છે. આ ટ્યુબની અંદર હાજર ‘પેસ્ટ’ એક રસપ્રદ પદાર્થ છે. તેને પ્રવાહીમાં ગણવામાં આવતું નથી. તે નોન-ન્યુટોનિયન પ્રવાહીના વર્ગનો એક ભાગ છે. તે સામાન્ય પ્રવાહીની જેમ કામ કરતું નથી. ટૂથપેસ્ટ ખાસ કરીને શીયર થિનિંગ ફ્લુઇડ્સ (Shear Thinning Fluids) માંનો એક પદાર્થ છે, જેને બિંગહામ પ્લાસ્ટિક (Bingham Plastics) તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટૂથપેસ્ટ એ સંપૂર્ણ રીતે પ્રવાહી નથી, તેથી ટ્યુબની અંદરના રંગો એકબીજામાં ફેલાતા નથી. ટૂથપેસ્ટ નક્કર પદાર્થ પણ નથી, તે ‘સેમી-સોલિડ’ પદાર્થ છે. ટૂથપેસ્ટના રંગો ટ્યુબની અંદર એકબીજામાં મિક્સ થતા નથી કારણ કે તે પ્લાસ્ટિકના પાતળા સ્તરોથી અલગ થઈ જાય છે. જ્યારે પેસ્ટને ટ્યુબની અંદર ભરવામાં આવે છે, ત્યારે તેમને એકસાથે ભરવામાં નથી આવતી, પણ અલગ અલગ સમયે અલગ અલગ રંગની પેસ્ટ ભરવામાં આવે છે, તેથી ‘ટૂથપેસ્ટ’ ના રંગો પણ ‘ટ્યુબ’ ની અંદર મિક્સ થતા નથી.
જ્યાં સુધી તમે ટૂથપેસ્ટની ટ્યુબને નિચોવતા નથી ત્યાં સુધી તે પોતાના રંગના બ્લોકની અંદર જ રહે છે. પરંતુ જ્યારે તમે ટ્યુબને દબાવશો ત્યારે તમે જે શીયર ફોર્સ લગાવો છો તે તેને બહાર નીકળે છે. પરંતુ તે એક લામિનર ફેશનમાં વહે છે અને ભેગા થતા નથી. જ્યાં સુધી તમે ટૂથપેસ્ટને સ્ક્વિઝ ન કરો ત્યાં સુધી તે ઘન જેવું વર્તે છે.
તમે ઘણીવાર જોયું હશે કે ‘ટૂથપેસ્ટ’ નું એક ટીપું ‘ટૂથબ્રશ’ પર એવી રીતે જ નીકળશે જે રીતે તે ટ્યુબમાં હોય છે. જો તમે ટૂથપેસ્ટની ટ્યુબને સૂર્યપ્રકાશમાં પણ રાખો છો, તો પણ અંદર તેના રંગો મિક્સ થતા નથી. હવાના સંપર્કમાં આવવા છતાં પણ તેને કોઈ ફરક પડતો નથી. પરંતુ જો ટૂથપેસ્ટને ટ્યુબમાંથી બહાર કાઢીને તડકામાં રાખવામાં આવે તો થોડા સમય પછી આ બધા રંગો મિક્સ થવા લાગે છે.
એકંદરે ટૂથપેસ્ટ ટ્યુબની અંદર ‘પેસ્ટ’ ના રંગના મિક્સ ન થવા પાછળનું મુખ્ય કારણ ‘ટૂથપેસ્ટ’ નું એક ખાસ પ્રકારનું પ્રવાહી છે જે ઘણા પ્રકારના રસાયણોને મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવે છે.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.