“રંગ છે રામેશ્વરને!”
આપણો મનોરમ્ય એવો ‘મધ્ય પ્રદેશ’, એ મધ્ય પ્રદેશનો ‘દમોહ’ નામક જિલ્લો. ‘દમોહ’ જિલ્લાનું ‘કેથોરા’ નામનું ગામ. એ કેથોરા ગામમાં ઈ.સ. ૧૯૭૮ ના જાન્યુઆરી માસની સોળમી તારીખે એક ગોઝારી બીના બની. એક કૂવાકાંઠે ત્રણ વરસનો એક બાળક રમતો હતો. રમતાં રમતાં એ છોકરો કૂવામાં પડી ગયો.
એક ઉંમરલાયક સ્ત્રી એટલામાં જ હતી. એ સ્ત્રીના જોવામાં આ આવ્યું. સ્ત્રી આમ ખબરદાર હતી. આજુબાજુ બીજું કોઈ નહોતું, એટલે કાછોટો મારીને એ સ્ત્રી પોતે કુવામાં કૂદી પડી, પેલા છોકરાને કૂવામાંથી બચાવવા માટે. પેલી બાઈને ખાસ તરતાં આવડતું નહોતું. પેલો છોકરો તેનો કોઈ સગો થતો હતો, એટલે લાગણીવશ થઈ તે કૂવામાં કૂદી પડી હતી. કૂવામાં પાણી પણ બે-ત્રણ માથોડાં હતું.
ભગવાનને કરવું તે રામેશ્વર નામનો એક બહાદુર છોકરો ત્યાંથી નીકળ્યો. પેલી સ્ત્રી કુવામાં પડ્યે પડ્યે ‘બચાવો! બચાવો!’ ની બૂમો પાડતી હતી. રામેશ્વરના કાન સરવા હતા. તેના કાને આ બૂમો આવી, ને તેને થયું : ‘આ કુવામાં કોઈ પડી ગયું લાગે છે! કૂવામાંથી આ બૂમ આવતી લાગે છે!’ આ વિચારે તે કૂવાકાંઠે દોડી ગયો.

તેને તરતાં સરસ આવડતું હતું. આઘોપાછો કંઈ પણ વિચાર કર્યા વિના તે ભમ્મ દઈને કૂવામાં કૂદી પડ્યો. જોયું તો પાણીમાંથી પેલી સ્ત્રી પેલા ડૂબતા બાળકને બહાર તો ખેંચી લાવી હતી ખરી! પરંતુ કહ્યું છેને અજવાળી તો પણ રાત! એ ઉંમરલાયક સ્ત્રીનું બિચારીનું કેટલું ગજું? બંને જણાં જાણે મો-ત-સા-મે ઝઝૂમતાં હતાં. પછી તો બંનેને રામેશ્વરે કૂવાના પાણી ઉપર પકડી રાખ્યાં. બંનેને પાણી ઉપર રહેવામાં પોતે સહાય કરી. પોતે તરતો રહ્યો, ને પેલાં બેને તરતાં રાખવા સહાય કરતો રહ્યો.
એટલામાં ગામલોકોને આ વાતની જાણ થતાં લોકો કૂવાકાંઠે દોડી આવ્યાં. લોકોએ કૂવાના કાંઠે રહીને દોરડું નાખ્યું. એ દોરડું પકડીને પેલી બાઈ સૌ પ્રથમ કૂવા બહાર નીકળી આવી. પછી રામેશ્વરે પેલા ત્રણ વર્ષના છોકરાનું કાંડું એક હાથે જોશથી પકડ્યું. ને બીજા હાથે દોરડું કસીને પકડ્યું. એ હાલતમાં લોકોએ તેને ને પેલા બાળકને કૂવાની બહાર કાઢયા. લોકોએ રામેશ્વરની બહાદુરીને બિરદાવી.
એ વેળા રામેશ્વર પોતાના ગામ કેથોરાની માધ્યમિક શાળાના સાતમાં ધોરણમાં ભણતો હતો. જયારે સ્કુલના શિક્ષકોએ પોતાના વીર વિદ્યાથી રામેશ્વરના આ સાહસની વાત જાણી ત્યારે એ લોકો પોતાના આ પરોપકારી ને પરાક્રમી વિદ્યાર્થી માટે ગર્વ અનુભવવા લાગ્યા. એ શિક્ષકોએ રામેશ્વરના પરાક્રમની આ વાત દિલ્લીની વિખ્યાત ‘ભારતીય બાલ કલ્યાણ પરિષદ’ નામની સંસ્થાને લખી મોકલી.
આ સંસ્થા તો સાહસિક બાળકોનાં આવાં સાહસોને પુરસ્કૃત કરતી આવી છે. ઈ. સ. ૧૯૭૯ ની સાલમાં રામેશ્વરને આ ‘ભારતીય બાલકલ્યાણ પરિષદે’ તેના આ અનોખા સાહસ માટે પુરસ્કૃત કર્યો. પોતાના ગામમાં ‘રામેશ્વર’ ‘રામેશ્વરપ્રસાદ’ નામે ઓળખાય છે. રંગ છે રામેશ્વરને!
– શિવમ સુંદરમ.