“જૂઠનો આવરદા”
વિનોદ નામનો એક છોકરો. ભારે નટખટ, બડો શેતાન, ખૂબ તોફાની, રમતિયાળ પણ એવો. ભણવા કરતાં રમતમાં તેનો વધુ ડોળો. એક દિવસની વાત. ઘેરથી તો તે સમયસર દફતર લઈને શાળાએ જવા નીકળ્યો, પરંતુ મારગમાં તેણે કેટલાક છોકરાઓને ગિલ્લીડંડા રમતા જોયા ને ભાઈનું ડગી ગયું. તેના દફતરમાં તે એક ગિલ્લી તૈયાર જ રાખતો. એટલે, દફતર મૂક્યું એક બાજુ ને પેલા છોકરાઓ સાથે પોતાની ગિલ્લી કાઢીને રમવા મંડી પડ્યો.
હવે રમતમાં શું થયું? એક છોકરાએ એવી ગિલ્લી ઉછાળી કે વિનોદની આંખમાં જોશથી જઈને વાગી. એ તો સારું થયું કે વિનોદની આંખ ન ફૂટી, પરંતુ એ સૂઝી જરૂર ગઈ, ને લાલઘૂમ થઈ ગઈ. એવી આંખ સાથે વિનોદે દફતર ઉપાડ્યું ને શાળાએ જવા ઝટ પગ ઉપાડ્યા.
શાળાએ બરાબર એક કલાક મોડો એ પહોંચ્યો. હવે ક્લાસમાં એ દાખલ થયો, એટલે શિક્ષકે ઠપકો દેતાં કહ્યું : ‘કેમ ભાઈ આટલો મોડો?’ વિનોદે પોતાની આંખ તરફ આંગળી કરી. શિક્ષકે આંખ પર વાગેલું જોઈ કહ્યું : ‘કેમ ભાઈ, આંખે શું થયું? કોઈએ મા-ર-યો છે કે શું?’
જૂઠું બોલવામાં તો વિનોદ એક્કો હતો, તે રડમસ અવાજે કહે : ‘હા સાહેબ, મારી મમ્મીએ મને મા-ર-યો’ એ શિવભક્ત શિક્ષક દયાળુ હતા. તે વિનોદની દયા ખાતાં કહે : ‘શિવ! શિવ! બાળકને શું આમ તો મ-રા-તો હશે! જોને આંખ કેવી સૂઝી ગઈ છે! સૂઝીને દડો થઈ ગઈ છે! ભાઈ, ઘેર પાછો જા! ઘેર જઈ તારી મમ્મી પાસે ગરમ પાણી મુકાવીને આંખ પર શેક કરાવજે! ભલે, શાળાનો આજનો દિવસ પડતો!’
વિનોદ ખુશ થયો, કેમકે શાળામાં મોડો પડ્યો, એનો ઠપકો તો ન મળ્યો ઉપરાંત શાળામાંથી એ દિવસે છુટ્ટી મળી! એટલે એ તો પ્રસન્ન મને ઘેર આવ્યો. ઘેર પાછો તો ગયો, પરંતુ મમ્મીએ જ્યાં એની સૂઝીને દડા જેવી થઈ ગયેલી આંખ જોઈ એટલે તરત ગભરાઈને પૂછયું : ‘બેટા, તને કોણે મા-ર્યો?’ વિનોદે તરત બીજી ગ૫ હાંકી, બીજું જૂઠાણું ચલાવ્યું : ‘મમ્મી, શાળામાં સાહેબે મને મા-ર્યો!’
મમ્મીએ પોતાનો હેતાળ હાથ વિનોદના ખભા પર ફેરવતાં બોલી : ‘માસ્તર પણ રોયો ક-સા-ઈ લાગે છે! જોને મારા દીકરાને મા-ર-યો છે તે! તારા પપ્પાને ઘેર આવવા દે ને! બધી વાત કરું છું!’

મમ્મીએ બધો રોષ માસ્તર પર ઠાલવવા માંડ્યો, એટલે વિનોદ રાજી થવા લાગ્યો. તેને થયું ‘મારું જૂઠાણું કેવું સફળ થયું છે!’ સાંજે પપ્પા ઘેર આવ્યા, એટલે મમ્મીએ વિનોદની બધી વાત કરી, છેવટે કહ્યું : ‘ના, ના, બિચારા છોકરાને આવો તો મ-રા-તો હશે! બાળક તો ફૂલ કહેવાય! ફૂલ ઉપર આવો જુલમ! આ તો મૂઓ માસ્તર છે કે ક-સા-ઈ?’
પપ્પા પણ વિનોદની આંખે વાગેલું જોઈ માસ્તર પર બરાબર ચિડાયા હતા. ઘરમાં આ પ્રમાણે માસ્તર વિરુદ્ધ વાતાવરણ જામ્યું હતું, ને આ બાજુ માસ્તરની પોતાની ઘરમાં પધરામણી થઈ! જૂઠાબોલા વિનોદે તો માસ્તરને જોયા ને જાણે તેના મોતિયા-મ-રી ગયા. તે તો એવો ભોંઠો પડી ગયો કે બસ! વાઢો તો લો-હી ન નીકળે એવી એની દશા થઈ રહી.
આ બાજુ માસ્તરને જોતાં જ પપ્પા બોલી ઊઠ્યા : ‘માસ્તર સાહેબ, વિનોદ છેવટે છોકરું કહેવાય! એને આવો મ-રા-તો હશે!’
માસ્તર કહે : ‘હું પણ તમને એ જ કહેવા આવ્યો છે. બાળક એટલે બાળક! બાળકને આવો તો મ-રા-તો હશે! બાળક છે તે ભૂલ પણ કરે!’
પપ્પાને થયું : ‘પોતે વિનોદને મા-ર-યુ છે, છતાં કેવું ડહાપણ ડહોળે છે!’ એટલે વધુ મિજાજ ગુમાવીને પપ્પા ઊંચે સાદે કહે : ‘માસ્તર સાહેબ, છોકરાને આવો મ-રા-ય! કદાચ તેની આંખ ફૂટી ગઈ હોત તો!’
માસ્તરે પણ એ જ ભાવની વાત કરતાં કહ્યું : એ તો સારું થયું કે બિચારાની આંખ ફૂટી નથી! છેક આવો તો ન મ-રા-ય!’ અને, પછી તો જૂઠનો આવરદા કેટલો? જૂઠનો આવરદા ઘડી બે ઘડી. હિંદીમાં તો કહેવત છે : ‘જુઠ કો પાંવ નહીં હોતે!’ એટલે જૂઠને પગ જ નથી હોતા. એટલે જૂઠું લાંબુ ચાલી શકે જ નહીં!
આમ વિનોદનું જૂઠાણું લાંબું ચાલી શક્યું નહિ. વિનોદના પપ્પા, મમ્મી ને માસ્તરે ભેગા મળીને આપસઆપસમાં ખુલાસો કરી લીધો, ત્યારે તેમને સવાલ થયો : ‘મારો વિનોદ અવળચંડો લાગે છે! શાળામાં કહે છે, ‘મારી મમ્મીએ મને મા-ર્યો-છે!’ જ્યારે ઘેર આવીને કહે છે, ‘માસ્તરે મને મા-ર-યો છે!’ તો ખરું શું? સાચું શું?’
ને સાચી વાત માટે વિનોદનો એક કાન તેના પપ્પાએ પકડ્યો, ને બીજો કાન માસ્તરે આમળ્યો ત્યારે બેટમજીએ સાચી વાત કહી દીધી.
ઓ વિનોદ તે આજના હિંદી ભાષાનો એક જાણીતો લેખક વિનોદ રસ્તોગી! વિનોદ રસ્તોગી પોતાના જીવનનો આ તોફાની બનાવ આલેખતાં લખે છે : ‘એક બાજુ મારા માસ્તર સાહેબે અને બીજી બાજુ મારા પિતાએ મારો એવો ઊધડો લીધો કે મારે સાચી વાત કહેવી પડી! એ દિવસથી હું એવો ઘા ખાઈ ગયો છું કે બસ! મેં ભારે મનોમંથન અનુભવ્યું, આવું હડહડતું જૂઠું બોલવા માટે મેં એ વડીલોની માફી માગી. હવેથી ફરી કદી જૂઠું નહિ બોલવાનો દૃઢ નિશ્ચય કર્યો. એ દિવસે મને ખબર પડી ગઈ કે જૂઠનો આવરદા એકદમ ટૂંકો હોય છે.’
– શિવમ સુંદરમ.