કુતરાએ દુનિયાને કરાવ્યો વફાદારીનો પરિચય, આ રીતે પર્વત પર બચાવ્યો પોતાના માલિકનો જીવ.

0
487

13 કલાક સુધી કૂતરો કરતો રહ્યો આ કામ અને બચાવ્યો પોતાના માલિકનો જીવ.

ક્રોએશિયાના બરફીલા પહાડોમાં એક કૂતરાએ પોતાના માલિકનો જીવ બચાવીને વફાદારીનો પરિચય આપ્યો છે. હકીકતમાં, ગ્રગા બ્રિકિક નામના પર્વતારોહક પોતાના બે મિત્રો અને એક કૂતરા સાથે ક્રોએશિયાની વેલેબિટ પર્વતમાળા પર હાઇકિંગ માટે નીકળ્યા હતા. પરંતુ હાઇકિંગ કરતી વખતે બ્રિકિકને ઇજા થઈ, જેના કારણે તે ચાલી શકવામાં અસમર્થ હતા.

‘ડેઈલી મેઈલ’ ના એક સમાચાર અનુસાર, આ દરમિયાન તેમના બંને મિત્રો પણ તેમનાથી છુટા પડી ગયા હતા. તેમણે બ્રિકિકને શોધવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેમના સુધી પહોંચી શક્યા નહીં. તેથી તેમણે મદદ માટે ક્રોએશિયાની માઉન્ટેન રેસ્ક્યુ સર્વિસનો સંપર્ક કર્યો. જ્યારે રેસ્ક્યુ ટીમવાળા બ્રિકિકને શોધતા તેમની પાસે આવ્યા તો ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

તેમણે જોયું કે બ્રેકિકનો કૂતરો તેમની ઉપર બેઠો હતો. તેણે આવું એટલા માટે કર્યું જેથી તેના માલિકને ઠંડી ન લાગે. રેસ્ક્યુ કરવાવાળાએ બ્રિકિકને બચાવવાનો સંપૂર્ણ શ્રેય તેમના કૂતરાને આપ્યો, જેના કારણે તેમનો જીવ બચી ગયો. બ્રિકિકના કૂતરાનું નામ નોર્થ છે અને તે અલાસ્કન માલામ્યૂટ જાતિનો છે. નોર્થ 13 કલાક સુધી પોતાના માલિકની ઉપર બેસી રહ્યો જ્યાં સુધી રેસ્ક્યુ કરવાવાળા ત્યાં ન પહોંચ્યા.

ક્રોએશિયાની માઉન્ટેન રેસ્ક્યુ સર્વિસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “માણસ અને કૂતરા વચ્ચેની મિત્રતા અને પ્રેમની કોઈ સીમા નથી હોતી.” તેમણે બંનેનો ફોટો પણ શેર કર્યો છે જેમાં નોર્થ બ્રિકિકની ઉપર સૂતેલો હોય છે. તેમણે લખ્યું, “થીજી જવાય એવી ઠંડીમાં માલિકને ગરમી આપવા માટે કૂતરાએ તેમને પોતાના શરીરથી સંપૂર્ણપણે ઢાંકી રાખ્યા.”

બ્રિકિક જ્યાં ફસાયેલા હતા તે સ્થળ સમુદ્રની સપાટીથી લગભગ 1,800 મીટરની ઉંચાઈ પર હતું. તેમને બચાવવા 30 લોકોની ટીમ પહોંચી હતી. બ્રિકિકે ક્રોએશિયન મીડિયાને કહ્યું, “તે સમય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેમને લાગી રહ્યું હતું કે જાણે એક એક મિનિટ પણ ગણી ધીરે ધીરે પસાર થઇ રહી હતી.” તેમણે કહ્યું, “આ નાનો કૂતરો ખરેખર મારા માટે ચમત્કાર જેવો છે.”

તેમજ ક્રોએશિયાની માઉન્ટેન રેસ્ક્યુ સર્વિસે લાંબી હાઇકિંગ ટ્રિપ્સ પર કૂતરાઓને લઈ જવા સામે ચેતવણી આપી છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે પર્વતો પર પરિસ્થિતિ મુશ્કેલ હોય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.