“તું તારું તો કર!”
વર્ષો પહેલાની વાત છે. તે સમયે ગામડાંઓમાં કોઈ ચીજવસ્તુ મળતી નહીં, આથી ગામડાના લોકો ખરીદી કરવા માટે શહેરમાં જતા. એક દિવસ ગામમાં રહેતા એક પટેલે શહેરમાં ખરીદી કરવા જવાનું નક્કી કર્યું.
ગામના લોકોને ખબર પડી કે કાલે પટેલ શહેરમાં ખરીદી કરવા જાય છે, એટલે એક પછી એક પટેલના ઘરે આવવા લાગ્યા અને કહેવા લાગ્યા, “પટેલ અમારા માટે આ લાવજો ને અમારા માટે તે લાવજો.”
પટેલ ભૂલકણા હતા એટલે એને તો લખીને યાદી બનાવી લીધી કે કોના માટે શું લાવવાનું છે.
બીજે દિવસે પટેલ ગાડું જોડીને ખરીદી કરવા શહેર ઊપડ્યા. પટલાણીએ સરસ મજાનું ભાતું પણ તૈયાર કરી આપ્યું.

શહેરમાં પહોંચીને પટેલે એક જગ્યાએ ગાડું છોડ્યું, બળદને નીરણ નાખ્યું અને ખરીદી કરવા માટે ઊપડ્યા. એમણે વિચાર્યું કે, પહેલા બીજાનું બધું ખરીદી લઉં અને પછી નિરાંતે મારું ખરીદીશ.
બધી ખરીદી પૂરી થઈ. પટેલ થાકી ગયા. શાંતિથી જમવા બેઠા અને ગીત ગાતા ગાતા ગાડું લઈને ગામડે પાછા આવ્યા.
પટેલ ઘેર આવ્યાના સમાચાર મળ્યા એટલે બધા પોતે મંગાવેલી વસ્તું લેવા માટે આવવા લાગ્યા. પટેલ બધાને યાદી મુજબની મંગાવેલી વસ્તુ અને તેનો હિસાબ બધાને આપવા લાગ્યા. થોડી વારમાં આખું ગાડું ખાલી થઈ ગયું.
પટલાણીએ પટેલને પૂછ્યું, “આપણી વસ્તુ ક્યાં?”
પટેલ કપાળે હાથ દઈને બોલ્યા, “મારું હાળું એ તો ભુલાઈ જ ગયું. આ બીજાનું ખરીદવામાં રહ્યો એમાં આપણું તો રહી જ ગયું.”
એવું નથી લાગતું કે આપણા બધાનું પણ આ પટેલ જેવું જ છે. બીજાનું ને બીજાનું કરવામાં આપણું પોતાનું જ રહી જાય છે. આપણી પાસે ગ્રેજયુએટ, પોસ્ટગ્રૅજ્યુએટ કે ડૉક્ટરેટ જેવી પદવીની સાથે સાથે મહામૂર્ખની સૌથી મોટી પદવી પણ છે!
– શૈલેષ સગપરિયા