“અજા એકાદશી”
યુધિષ્ઠિરે પૂછ્યું – જનાર્દન! હવે હું એ સાંભળવા માંગું છું કે શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં કઈ એકાદશી હોય છે? કૃપા કરીને જણાવશો.
ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા – રાજન! એકચિત્ત થઈને સાંભળો. ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ‘અજા’ છે. તે બધાં પાપોનો નાશ કરનારી બતાવવામાં આવી છે. જે ભગવાન હૃષીકેશનું પૂજન કરીને આનું વ્રત કરે છે, તેનાં બધાં પાપ નાશ પામી જાય છે.
પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક જાણીતા ચક્રવર્તી રાજા થઈ ગયા છે, જેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યપ્રતિજ્ઞ હતા. એક સમયે કોઈ કર્મનો ફળભોગ પ્રાપ્ત થવાથી તેમને રાજ્ય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચ્યા. પછી પોતાને પણ વેચી દીધા. પુણ્યાત્મા હોવા છતાં પણ તેમને ચાંડાળની દાસતા કરવી પડી. તેઓ મ-ડ-દાં-ઓ-નું કફન લીધા કરતા હતા. આમ છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત નહિ થયા.

આ રીતે ચાંડાળની દાસતા કરતા તેમને અનેક વર્ષો પસાર થઈ ગયાં. આનાથી રાજાને ઘણી ચિંતા થઈ. તેઓ ઘણા દુઃખી થઈ વિચારવા લાગ્યા – ‘શું કરું? ક્યાં જાઉં? કેવી રીતે મારો ઉદ્ધાર થશે?’ આ રીતે ચિંતા કરતાં-કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને આતુર જાણીને કોઈ મુનિ તેમની પાસે આવ્યા. તેઓ મહર્ષિ ગૌતમ હતા.
શ્રેષ્ઠ બ્રાહ્મણને આવેલા જોઈ નૃપશ્રેષ્ઠે તેમનાં ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડી ગૌતમની સામે ઊભા રહી પોતાના દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા. રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું – ‘રાજનું! શ્રાવણના કૃષ્ણપક્ષમાં અત્યંત કલ્યાણમયી ‘અજા’ નામની એકાદશી આવી રહી છે, જે પુણ્ય પ્રદાન કરનારી છે. આનું વ્રત કરો. આનાથી પાપનો અંત થશે. તમારા ભાગ્યથી આજથી સાતમા દિવસે એકાદશી છે. તે દિવસે ઉપવાસ કરીને રાતે જાગરણ કરજો.’
આમ કહીને મહર્ષિ ગૌતમ અંતર્ધાન થઈ ગયા. મુનિની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. તે વ્રતના પ્રભાવથી રાજા તમામ દુઃખોથી પાર પડી ગયા. તેમને પત્નીનો સહવાસ અને પુત્રનું જીવન મળી ગયું. આકાશમાં દુંદુભિઓ વાગી ઊઠી. દેવલોકથી ફૂલોની વર્ષા થવા લાગી. એકાદશીના પ્રભાવથી રાજાએ અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને છેવટે તેઓ નગરજન તથા પરિજનોની સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા. રાજા યુધિષ્ઠિર! જે મનુષ્ય આવું વ્રત કરે છે, તે બધાં પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે. આને વાંચવા અને સાંભળવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે.