નવી વહુએ અજાણતામાં ન કાઢી લાજ તો સાસુએ કર્યો હંગામો, પછી જેઠાણી અને પતિ જે બોલ્યા તે જાણવા જેવું છે.

0
1776

“લાજ”

અરે રાણી… ઓ રાણી હજી સૂઈ રહી છો કે? રાણીની જેઠાણી મોટે મોટેથી બૂમો પાડી રહી હતી ઘરના આંગણામાં ઉભી ઉભી. રાણી એટલે હું! તરત દોડી અને પોતાના રૂમમાંથી બહાર નીકળીને કહ્યું દીદી હમણાં આવી. જેઠાણીએ કહ્યું રાણી તારું નામ રાણી છે, પણ તું હકીકતમાં રાણી નથી. મેં તને રાત્રે જ સમજાવી દીધું હતું કે સવારે વહેલા ઉઠી જજે તારી મોઢું બતાવાની વિધિ છે. મેં કીધું કે દીદી રાત્રે ઊંઘ આવી નહીં, જગ્યા નવી છે અને મારા મનમાં થોડો ડર હતો કે સવારે આંખ જલ્દી નહી ખુલે તો.

રજની દીદીએ હસતા હસતા કહ્યું – રાણી, મારી વ્હાલી દેવરાણી, જલ્દી લાજ(ધૂંઘટ) કાઢ, માં આવશે તો બુમરાણ થઈ જશે. મેં જેવી લાજ કાઢી ને ત્યારે જ માં ત્યાં આવ્યા અને ખીજવતા અવાજે કહ્યું – હવે ચાલો. નહિ તો અહીં જ ગપ્પા મારતી રહેશો તમે બંને. અમે ચાલવા માંડ્યા હતા, ત્યારે માં એ રજની દીદીના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું – તને ખબર છે ને ક્યાંથી જવાનું છે ને કેવી રીતે જવાનું છે? માં એ કહ્યું કે જ્યારે પણ તમારી સામે કોઈ વડીલ ઊભું હોય ત્યારે હંમેશા લાજ કાઢવાની અને બને એટલું ઓછું વડીલો સામે આવવું અને ક્યારેય પણ લાજ વગર આવવું નહિ.

રજની દીદીએ કશું કહ્યું નહીં, માત્ર માથું હલાવીને હા કહી દીધું. મેં પણ માત્ર માથું હા માટે હલાવ્યું. માં ગયા પછી મેં રજની દીદીને પૂછ્યું, તમે તો સ્કોલર છો અને આ બધી બાબતોને કેવી રીતે સંભાળો છો? રજની દીદીએ હસતાં-હસતાં કહ્યું કે – હું તારા જેઠને ખૂબ પ્રેમ કરું છું, તેથી અત્યાર સુધી હું ચૂપચાપ આ બધું કરું છું.

હું કંઈ બોલી નહિ અને રજની દીદી સાથે ચુપચાપ ઘરની બહારના રૂમમાં જઈને બેસી ગઈ. ત્યાં એક પાડોશના માસી બેઠા હતા તેમણે કહ્યું કે – આ વહુ કેવી આવી છે, સામે સસરા ઉભા છે અને તે અહીં બેઠી છે.

મને કંઈ સમજાયું નહીં. રજની દીદીએ કહ્યું કે – માસી નવી વહુ છે, અહીંના રિવાજો શીખવામાં થોડો સમય લાગશે. રજની દીદી મને ત્યાંથી ઉઠાડીને મારા રૂમમાં મૂકી ગયા. નાની નાની વાતોમાં 6 મહિના વીતી ગયા, પછી એક દિવસ હું રાહુલ સાથે સાડી લેવા ગઈ. રાહુલ પર કોઈનો ફોન આવ્યો અને તે દુકાનની બહાર વાત કરવા ગયો. હું બિન્દાસ સાડીની દુકાનમાં સાડી જોઈ રહી હતી. પછી પાસે બેઠેલા એક કાકાને ખાંસી આવી. એકવાર, પછી બીજીવાર પછી ત્રીજીવાર. મેં સાડીવાળા ભાઈને કહ્યું કે – ભાઈ, આ કાકાને પાણી આપો, તેમને ખૂબ ઉધરસ આવે છે.

કાકા ગુસ્સે થયા અને બોલ્યા – આ કેવી નફ્ફટ છોકરી છે, થોડી શરમ છે કે નહીં. દુકાનમાં હંગામો જોઈ રાહુલ બહારથી દોડીને અંદર આવ્યો અને અંદર આવતાની સાથે જ તે કાકાને ચરણ સ્પર્શ કર્યો અને કહ્યું – મામા, તમે અહીં? હું ગભરાઈને દુકાનની બહાર નીકળી આવી એક લાંબી લાજ કાઢીને ગાડીમાં બેસી ગઈ. રાહુલ બહાર આવ્યો અને કારમાં બેસી ગયો અને ખૂબ જ ઝડપથી ગાડી ચલાવવા લાગ્યો. મેં ધીમા અવાજે કહ્યું – તમે બહુ ઝડપથી ગાડી ચલાવો છો, ક્યાંક અકસ્માત ના થઈ જાય.

અમે ઘરે પહોંચ્યા જ હતા, ત્યારે જ માં જોર જોરથી બૂમો પાડતા બહાર આવી ગયા. જુઓ, આવી ગઈ રાણી સાહેબા… પરિવારની ઈજ્જતની ધૂળ ધણી કરીને. ત્યારે રજની દીદીએ આવીને કહ્યું – માં, મારા લગ્નને 6 વર્ષ થયા છે, હજી સુધી હું મામાને ઓળખતી નથી તો એ કેવી રીતે ઓળખે? માં એ જોરથી બૂમો પાડી કહ્યું – રજની પણ કેવી સામે જવાબ આપવા લાગી છે. રાહુલે બધાની વાત કાપી નાખી અને કહ્યું કે – માં બંને સાચુ કહે છે. જો તેઓ હંમેશા લાજ કાઢતા રહેશે તો તે મામાને કેવી રીતે ઓળખશે?

અને માં આજે મામાના એક ફોન પર તમે આખા ઘરની શાંતિ ડહોળી નાખી છે. આ એ જ સમાજ છે જેણે સીતા મૈયા પર પણ આંગળી ચીંધી હતી. પપ્પા અને જેઠ પણ રાહુલના પક્ષમાં ઉભા રહ્યા.

માં થોડીવાર વિચાર્યા પછી રજની દીદી અને મારી પાસે પાછા આવ્યા અને કહ્યું કે – તમે બંને તમારી ગરિમા જાણો છો. હું આશા રાખું છું કે તમે ક્યારેય મારું માથું શરમથી ઝુકવા દેશો નહીં.

આપણે એક જ પરિવારના સભ્યો છીએ, આપણે હંમેશા સાથે રહેવાનું છે, તે સારો સમય હોય કે ખરાબ સમય, દરેક સભ્ય તેની મર્યાદા જાણે છે. માં મને અને રજની દીદીને ભેટી પડ્યા.