લોકોને હસાવનાર હાસ્ય કલાકારના ઘરે થઇ ચોરી, આ ઘટના વિષે વાંચીને તમે હસી હસીને લોથપોથ થઇ જશો

0
1268

ચોરને માલુમ થાય કે….

(મહારાષ્ટ્ર રાજ્યના નવમાં ધોરણના પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ)

બે-ત્રણ મહિના પહેલા જામખંભાળિયા નગરપાલિકા દ્વારા મારો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ખંભાળિયા મારું સાસરું હોવાથી હું મારા એકમાત્ર પુત્ર અને એકમાત્ર પત્ની સાથે ત્યાં ગયો. તે રાત્રે હું લોકોને હસાવતો હતો. બરાબર તે જ સમયે સુરેન્દ્રનગર મારા ઘરનાં તાળાં તૂટ્યાં હતાં, એટલે કે મને રડાવવાની પૂર્વતૈયારી થતી હતી. મારા ઘરમાં ખરેખર થયેલી ચોરીની વાત અહીં રજૂ કરું છું અને આશા છે કે મને રડાવનાર ચોર પણ આ લેખ વાંચતો હશે.

એક ભગતના ઘરમાં રાત્રે ચોર આવ્યો. વળી ચોરીના માલનું પોટલું વાળી જવા માટે ચાદર સાથે લઈને આવ્યો. એણે પહેલાં ચાદર પાથરી, પછી તપાસ આદરી. ઘરના ચારે ખૂણા સરખા હતા, મતલબ ઘરમાં કંઈ જ હતું નહીં. ભગતના ઘરમાં ઉદર પણ આ-પ-ઘા-ત કરે એવું હતું.

ચોર નિરાશ થઈ પાછો આવ્યો અને જે દૃશ્ય જોયું તો અંધારામાં આંખે અંધારાં આવી ગયાં. ચોરની પાથરેલી ચાદર પર ભગત સૂઈ ગયા હતા. જો ભગત પડખું ફરે તો પોતાની ચોરીની કમાણીની ચાદર લઈને જતા રહેવું એવી ગણતરીએ ચોર પરોઢિયા સુધી બેસી રહ્યો. અંતે કંટાળી રોવા જેવો થઈ ચોર ચાદરવિહીન અવસ્થામાં ચાલતો થયો. જતી વખતે બારણું અટકાવવા ગયો ત્યારે ભગત સૂતાંસૂતાં બોલ્યા : “ભલે ઉઘાડું રહ્યું. તું જેમ પાથરણું આપી ગયો એમ કોઈ ઓઢવાનું આપી જશે.”

આજે માણસને સો રૂપિયાના તાળામાં વિશ્વાસ છે એટલો લાખ રૂપિયાના માણસમાં વિશ્વાસ નથી. તે રાત્રે મારા ઘરે વણનોતર્યા પધારેલા ચોરભાઈને (આશા રાખું કે ભાઈ જ હશે, બાકી અત્યારે તમામ ક્ષેત્રમાં સ્ત્રી પુરુષસમોવડી થઈ ગઈ છે.) મારાં તાળાં ઉપરનો મારો વિશ્વાસ તાળાં સાથે જ તોડી નાખ્યો અને મધરાતે મારા અવાવરુ ઘરમાં વિજય-પ્રવેશ કર્યો.

ત્યારબાદ ચોરે મારો લોખંડનો કબાટ પણ ખોલી નાખ્યો. એ કબાટમાં એક ચોરખાનું છે. એ એવી ગુપ્ત જગ્યાએ છે કે મારો કબાટ હોવા છતાં મને ઘણી વાર મળતું નથી. એવું ભેદી ખાનું પણ ચોરે ભેદી નાખ્યું. અને જેનું નામ જ ‘ચોરખાનું’ હોય એ ચોર ન ખોલે તો કોણ શાહુકાર ખોલે? અહીં ‘શાહુકાર’ અર્થ આવકવેરા અધિકારી એવો કરવો.

ચોર વ્યવસાયે ચોર છતાં શાહુકાર કરતા નીતિમાન હતો. એને સોનું અને રોકડ સિવાય કશામાં રસ નહોતો અને મારા સદ્દનસીબે અને ચોરના બદનસીબે મારા ઘરમાં એક પણ તોલો સોનું નહોતું અને પૂરા પાંચસો રૂપિયા પણ નહોતા. આ નીરખીને નિરાશ થયેલો ચોર ટી.વી., ટેપ, થડિયાળ કે સાડીઓની લાલચ વગર કંઈ જ લીધા વગર ખાલી હાથે જતો રહ્યો એનું આજે પણ મને આશ્ચર્ય થાય છે.

કદાચ એવું બને કે કબાટ-દર્શન બાદ નિરાશ થયેલો ચોર ‘લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે’ એમ બોલતો-બોલતો ઉપલા માળે ગયો હશે, પણ મારો પોતાનો ઉપલો માળ ખાલી છે તો મારા ઘરનો ક્યાંથી ભરેલો હોય? ઉપલા માળે પુસ્તકોના ઢગલા જોઈ ચોરને થયું હશે કે રોંગ નંબર લાગી ગયો છે! જેની પાસે આટલાં બધાં પુસ્તકો હોય એની પાસે સોનું કે રૂપિયા થોડા હોય? પુસ્તકો કાયદાના હોય તો એને અડ્યા વગર પણ રૂપિયા આવે. બાકી સાહિત્યનાં પુસ્તકોને ગમે તેટલા વાંચો છતાં બે-પાંદડે થવાતું નથી.

બીજા દિવસે ફોન દ્વારા મને ભરઊંઘમાંથી ઉઠાડીને અશુભ સમાચાર આપવામાં આવ્યા : “તમારા ઘરનાં તાળાં તૂટ્યાં છે. તમારા પાડોશમાં દિવાળી જેવો માહોલ છે. તમે જલદી આવો.” આ સાંભળીને હું એવો ઘાંધો થયો કે લેંઘા ઉપર શર્ટ પહેરીને સુરેન્દ્રનગર પહોંચી ગયો. પત્ની ઉતાવળમાં મોજડીને બદલે સ્લિપર પહેરીને બેસી ગઈ. મૌલિકને તો આખા રસ્તે એક જ ચિંતા હતી કે ચોર જો પુત્રવાન હશે અને મારું બેટ ચોરી ગયો હશે તો સાંજે પાડોશીના ઘરમાં દડો કેમ નાખીશું?

અમે આવ્યાં એટલે પાડોશીઓએ ખોટા દુઃખ સાથે અમને પોંખ્યાં, પણ એમનો રાજીપો આંખોમાં ડોકાઈ જતો હતો. અમે ઘરમાં આવીને ટી.વી.થી માંડીને ટાંકણીના બોક્સ સુધીની વધી વસ્તુ તપાસી લીધી. મેં શેરીમાં આવીને જાહેરાત કરી : “મારું કંઈ જ ગયું નથી. માત્ર ઘરમાં કંઈ જ હતું નહીં, તેથી ચોર પાસે મારી આબરૂ ગઈ છે.” પણ પાડોશીને મારી વાતમાં વિશ્વાસ નહોતો. તેઓ અંદરોઅંદર કહેતાં : “ગયું તો હોય, પણ કહેતા નથી.”

ત્યારબાદ મારા ઘરમાં કોઈ વડીલનું અ-વ-સાન થયું હોય એમ ખરખરો કરવાની લાઈન લાગી ગઈ. હું ઓળખતો નહોતો એવા માણસો પણ મળવા આવ્યા. દરેકને મારે એકની એક કેસેટ રિવાઈન્ડ કરીને સંભળાવવી પડતી. એ લોકોને ચા અથવા ઠંડું પાવું, નજીકના હોય તો નાસ્તો કરાવવો. ત્રણ દિવસમાં તો અમે ત્રણેય રોવા જેવાં થઈ ગયાં.

શરબતના છ બાટલા, પાંચ કિલો ખાંડ, બે કિલો ચા, નાસ્તાના ત્રણ ડબ્બા ખલાસ થઈ ગયા. ત્રીજા દિવસે મારો અવાજ બેસી ગયો, જેના ઉપર મારા ધંધાનો આધાર છે. બોંતેરમા ભાઈ ખબર પૂછવા આવ્યા અને હું એટલું જ કહી શક્યો: “ચોરી થઈ, ગયું નથી.”

પોલીસને જાણ થતાં તેઓ પણ ચોરની માફક વગર બોલાવ્યે આવ્યા. પુરાવામાં તૂટેલું તાળું લેતા ગયા. મને ત્રણ વખત પોલીસ સ્ટેશને બોલાવ્યો. મારે ફરિયાદ કરવી નહોતી, છતાં નોકરીના ઇન્ટરવ્યૂ કરતાંયે અઘરા સવાલ પૂછયા. ઘડીક તો મને એમ થયું કે મેં કોઈને ત્યાં ચોરી કરી છે! ઘરે કોઈને સુવડાવીને ન જવા બદલ ઠપકો આપ્યો. બધાએ પોલીસ સ્ટેશનમાં મારી ચા પીધી. હું ચોર હોઉ એમ ‘ફરી ચોરી ન થવી જોઈએ’ એવી સૂચના આપી મને માંડમાંડ જવા દીધો.

ચોથા દિવસે કંટાળીને મેં દરવાજા ઉપર મોટું બૉર્ડ માર્યું. એ બૉર્ડ બનાવવાનો મને પાંચસો રૂપિયા ખર્ચ થયો, પણ લોહીઉકાળા બંધ થઈ ગયા.

બોર્ડમાં મેં સ્પષ્ટ લખ્યું : “રાત્રે મારા ઘરે ચોરી થઈ, પણ હું સત્યપ્રતિજ્ઞાપૂર્વક, શાંત ચિત્તે, તબિયત બહાલ રાખીને, બિનકેફે લખી જણાવું છું કે મારા ઘરમાંથી કંઈ જ ચોરાયું નથી. મને દિવસે કંઈ જ જડતું નથી તો ચોરને રાત્રે ક્યાંથી મળે? આ વાંચી આપને દુઃખ થાય તો ભલે થાય, પણ મહેરબાની કરીને મારા ઘરમાં આવી, ખોટી લાગણી દેખાડી, મફતમાં મારી ચા પી મને સલાહ પિવડાવવા પધારશો નહીં. લિખિતંગ આપનો અદર્શનાભિલાષી જગદીશ ત્રિવેદી.”

પાંચમા દિવસે મારાં એક બહુ દૂરનાં માસી આવ્યાં. એ એટલા બધાં દૂરનાં હતાં કે મારાં બા પણ એમને ઓળખી ન શક્યાં. એ માસી સાથે ચાર પુત્રો લઈને આવ્યાં. એ પુત્રોને જુઓ તો એમ લાગે કે એ ચારેય વાંદરામાંથી માણસ બનવાનું ભૂલી ગયા છે. માસીને કોઈકે ચોરીના સમાચાર આપ્યા હશે. તેઓ મને કહે “જ્યાં સુધી ચોર પકડાય નહીં ત્યાં સુધી અમે પાંચેય અહીંથી જવાનાં નથી.”

આ સાંભળી હું રોવા જેવો થઈ ગયો. મેં બે હાથ જોડીને કહ્યું : “મારે ચોર પકડાવવાનો નથી, પણ તમે વાહન પકડી લો.’”

ત્યારબાદ મેં અને મારી પત્નીએ હિસાબ કર્યો તો બોર્ડના પાંચસો, શરબતમાં છ બાટલાના એકસો એંશી, પાંચ કિલો ખાંડના પંચોતેર, બે કિલો ચાના બસો એંસી, નાસ્તાના અઢીસો, સગાવહાલાને ફોનના બસોવીસ – બધું થઈ આશરે દોઢ હજાર રૂપિયા વપરાઈ ગયા હતા. ચોર ભલે કંઈ જ ન લઈ ગયો, પણ દોઢ હજાર રૂપિયા અમારી નજર સામે ચોરાઈ ગયા!

ચોરને માલૂમ થાય : “આ લેખ જો તે વાંચતો હોય અને કોઈ મોટા માણસને ત્યાં ચોરી કરી હોય તો આ નાના માણસના દોઢ હજાર મોકલી આપવા વિનંતી છે. તારો ધંધો વધે એવી શુભેચ્છા.”

લેખક – ડો. જગદીશ ત્રિવેદી.