કૃષ્ણ : દીવાલની ફ્રેમમાં કે આપણા પ્રેમમાં?
– હરિકૃષ્ણ શાસ્ત્રી.
ગુજરાતીઓને રમતિયાળ ભાષામાં “ગુજ્જુ” કહેવાય છે, અને ગુજ્જુઓએ ઓળખ મેળવી છે : “જે સી ક્રસ્ણ” થી. અને ચેટમાં તો ઉતાવળે માત્ર એટલું જ લખાય છે : જે એસ કે! અને આ શોર્ટફોર્મ આપણા માટે આખા ભારતને વીંટળાઈ વળેલું વિરાટ પોત છે.
કૃષ્ણ વિનાના ભારતની કલ્પના જ તમને બેહૂદી લાગશે, અધૂરી લાગશે. જીવનનો કોઈ પણ એક આનંદમય ખૂણો બતાવો, જ્યાં કૃષ્ણ ન હોય! શૃંગાર, સંગીત, રાજનીતિ, જ્ઞાન, યોગ, કર્મ, યુદ્ધ, ન્યાય, સત્ય, પદ, ભજન, નૃત્ય, ઉત્સવ.. અને સાથે સાથે એવો એક પણ વિષાદનો ખૂણો બતાવો, જેને કૃષ્ણએ પોતાના જીવનમાં ભોગવ્યો ન હોય! એ ખરા અર્થમાં અનેક પીડાઓના ભુક્તભોગી હતા.
જેલમાં જન્મ, બાળપણથી આ-તં-ક-વા-દી-ઓ સામેની લડાઈ, ગાયો ચરાવવાની રોજીંદી પ્રવૃતિ, 11 વર્ષ આવતાં આવતાં તો આ-તં-કી સગા મામાનો વ-ધ, ભણવા મળ્યું માત્ર બે માસ અને ચાર દિવસ. ટોટલ 64 દિવસ! બસ, પછી તો યુદ્ધો, સ્યમંતક મણિ માટેનું લાંછન, મહાભારત પહેલાંની પ્રતિજ્ઞાઓ, મહાભારત યુદ્ધ સમયે પ્રતિજ્ઞાના ભંગ, અને મથુરાથી પરિવાર તેમજ પ્રજા સાથે ગુજરાતમાં શિફ્ટિંગ. અંતે દ્વારિકાના દરિયાકિનારે સગી આંખે જોયો, પોતાના જ શૌર્ય, પુરુષાર્થ અને પ્રચંડ પ્રતાપથી રચેલા સમગ્ર સુવર્ણમય સામ્રાજ્યનો, સ્વજનોનો અને સંપનો વિનાશ!
તમે જોયું હશે, આ આનંદરસના યોગેશ્વર પાસે દુનિયાભરનાં દુઃખોની યાદી જેટલી લાંબી છે, એટલું જ એમના હોઠ ઉપર રમ્યા કરતું સ્મિત પણ મધુર, ગહન અને રહસ્યમય છે. દુઃખી આત્મા આટલો હળવો હોય? કૃષ્ણ મોરપીંછ સમા હળવા રહ્યા છે, જિંદગીભર! અને તેજતર્રાર રહ્યા છે, સુદર્શન ચક્રની જેમ.
શું એ કૃષ્ણ આપણી ઊગતી સવારમાં છે? એ કૃષ્ણ આપણા આપસી સંબંધોની મીઠાશમાં ડોકિયું કરે છે? એ કૃષ્ણ આપણા વ્યવહારમાં પરમ સત્ય સમી ગીતારૂપે પ્રતિબિંબ પામે છે?
હા, મધ્યરાત્રિ સુધી દેશ અને દુનિયાભરના કૃષ્ણ મંદિરોમાં આખો દેશ જાગશે. મંદિરે-મંદિરે કૃષ્ણને પારણે ઝૂલાવશે અને પંજરી(પંચજીરી)નો પ્રસાદ મેળવીને પછી એ જ પ્રવૃત્તિઓમાં પરોવાઈ જશે, જે પ્રવૃત્તિઓ આપણને પળ પળ કૃષ્ણથી દૂર લઈ જઈ રહી હોય!

કૃષ્ણ વિષાદમાંથી મુક્તિનું બીજું નામ છે. કૃષ્ણ અન્યાય સામેના પડકારો અને દુષ્ટતા સામેની સજ્જનતાની સ્થાપના છે, કૃષ્ણ વ્યવહારમાં “પોતાના” થયેલા ચાહકો માટે નિષ્કપટ અને નિર્વ્યાજ સહકારનું પ્રોમિસ છે, અને કૃષ્ણ સ્વયં મિત્રતાની ઊંચાઈ, તેમજ પ્રેમની ગહેરાઈ છે.
સુદામા જેવા સહપાઠીને તે વર્ષો પછી મળે છે, ત્યારે પોતાનું સમ્રાટપદ મન-હૃદયમાંથી સાવ એટલે કે સાવ ઉતારી દેવાની હળવાશ જ યુગોથી માનવજાતને એટલી બધી સ્પર્શી છે, કે આપણી આસપાસ નાનકડી અને સાવ અલ્પ જેવી તુચ્છ સત્તાના પદ ઉપર મોં ફુલાવીને બેઠેલા અહંકારના પડીકાં જેવા ચહેરા જોઈને હસવું રોકી શકાતું નથી, અને રડવું કે કેમ તે સમજાતું નથી!
એ દ્રૌપદીને મળે, ત્યારે અનર્ગળ પ્રેમમાં મિત્રતાની પવિત્રતા સિવાય તમે કશું જોઈ શકતા નથી, અને એ શિશુપાળની ગા-ળો સાંભળે ત્યારે પણ એમનું મધુર સ્મિત હોઠો ઉપરથી અદૃશ્ય થતું નથી… એ શહેરની ભીડ વચ્ચે કુબ્જાને અકારણ કરુણાથી રૂપવતી બનાવે છે, તો યુદ્ધભૂમિની રણભેરી વચ્ચે ટીટોડીના ઇંડા બચાવવા હાથીના ગળે બાંધેલો ઘંટ ઉતારી તેના પર ઢાંકી ત્યાં પણ હૃદયપૂર્વકની માયા લગાડે છે..
ઝે-ર બની ગયેલા યમુનાના ધરામાં માત્ર એક દડા માટે કૂદકો મારનાર કૃષ્ણ, કે પછી ધોધમાર વરસાદમાં ગોકુળને બચાવી લેનાર ગોવર્ધનધારી કૃષ્ણ સુધીના ચરિત્રોમાં ક્યાંય પણ આયાસ દેખાય છે?
કૃષ્ણનો જન્મોત્સવ કેક કાપીને ઉજવાય તો કેવો લાગે? માખણ-મિસરી વિનાનું કૃષ્ણ સાથેનું જન્મોત્સવ પૂરતું સગપણ પણ કેવું લાગે? કારણ એટલું જ કે કૃષ્ણ સહજતાનો આવિર્ભાવ હતા, અને એટલે જ એ શકુનિના કપટને પકડી શક્યા, દુર્યોધનના અહંકારને પડકારી શક્યા, યુધિષ્ઠિરના સત્યને સાર્વજનિક હિત માટે પોતે ધારેલી દિશા આપી શક્યા, વિદુરની ભાજી માટે દુર્યોધનના મેવા સહજતાથી હડસેલી શક્યા.
આપણા માટે આપણો પોતાનો કૃષ્ણ ક્યાં?
જો આપણને મીઠાશની મોરલી વગાડતા આવડતી ન હોય, ગોવાળો જેવા નાના નાના માણસોના મિત્ર બની શકાતું ન હોય, રાજસૂય યજ્ઞ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમ સમયે પતરાળા ઉપાડવાની સેવા કરવા જેવા નમ્ર બની શકાતું ન હોય, છાણ-વાસીદાં કે લાકડાં કાપવા જેવાં નાનાં નાનાં કામો કરતા જ રહેવાને બદલે બેકાર રહેવાનો બોજ જ બની રહેવું હોય, સામાન્ય સ્થિતિમાં આવી ગયેલા પાંડવો જેવા મિત્રો માટે પૈસાથીય વધુ સંબંધ મહત્વનો છે – તે સત્યને સમજી શકાયું ન હોય, તો આપણે કૃષ્ણને જરૂર ક્યાંક મંદિરોના ગર્ભગૃહમાં ખોઈને આવ્યા છીએ, તે નિશ્ચિત છે.
સુખ અને દુઃખના સૈન્યની વચ્ચે ઊભા રહીને આપણે જો આપણી જ નિરાશા, હતાશા કે વિષાદને પડકારી શક્યા નથી, કે પોતાના જ કોઈ નબળા પડી ગયેલા સાથીને અર્જુન માનીને તેને અન્યાય કે દુઃખ સામે ત્રાડ પાડવા માટે મોટિવેટ કરી શક્યા નથી, કે પછી સુદામા જેવા મિત્રો માટે સોના-ચાંદી, જમીન-જાયદાદના વટ નેવે મૂકીને તેને ભાવ ભરીને ભેટી શક્યા નથી, તો જરૂર આપણે કૃષ્ણને દિવાલ પર ટીંગાડેલી ફ્રેમમાં મઢીને કૃષ્ણની સાથે હોવાનો દંભ આચરી રહ્યા છીએ.
રોજિંદા જીવનના કોઈપણ ખૂણામાં, રોજિંદા સમયની કોઈ પણ પળોમાં, રોજિંદા વ્યવહારના કોઈપણ આચરણમાં કૃષ્ણની ગેરહાજરી રાખીને આપણે “જે સી ક્રસ્ણ”નું અભિવાદન ક્યાં સુધી ટકાવી શકીશું? કે પછી તે અભિવાદનને હૃદયસ્પર્શી ક્યારે બનાવી શકીશું?
કૃષ્ણ જો આપણા જીવન વ્યવહારમાં, માનસિક વલણમાં, ઘરના વાતાવરણમાં અને સવારથી સાંજના વર્તનમાં ક્યાંય પણ છલકાયા કરતો નથી, તો એ ઘરની દીવાલોની ફ્રેમોમાં જ બરાબર છે, શું લાગે છે તમને?
જો આ-તં-ક-વા-દી- ઓ, ગદ્દારો કે રાષ્ટ્રદ્રોહીઓ માટે આપણને સુદર્શન ચક્ર ચલાવતા નથી આવડતું, આપણા જ રથમાં બેઠેલા આપણા અર્જુન જેવા મિત્રોની રક્ષામાં પીડાનાં બાણો વચ્ચે પોતાનો રથ ઝુકાવી ઝુકાવીને તેમના જીવનરથના સારથિ થતા નથી આવડતું, દ્રૌપદી જેવી બહેનોના હૃદયવિદારક ચિત્કારો સાંભળીને મહેલોથી માંડી ઝૂંપડીઓ સુધી પીડાતી દ્રૌપદીઓની વહારે દોડી જતા નથી ફાવ્યું,
તો હા, જન્માષ્ટમીઓ તો ઉજવાતી રહેશે, કૃષ્ણની આરતી થયાનું સુકુન તો જરૂર મળશે, પણ તમારા પોતાના કૃષ્ણ ક્યાં?એ તો ભલે રહ્યા, મંદિરોના સુવર્ણ સિંહાસનોમાં! આમ પણ આપણે પ્રણામ કરીને માથું ઝૂકાવવા સિવાય બીજી કઈ જવાબદારી લેવા તૈયાર થઈ શકીએ તેમ છીએ? જરા વિચારવા જેવો સવાલ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંદર્ભમાં પ્રમુખસ્વામી મહારાજે એક વૈષ્ણવને અમેરિકામાં પૂછ્યું હતું : ભાઈ, તમે તો વૈષ્ણવ, તો તમે રોજ ગીતાનું વાંચન કરતા હશો… અને એ ભાઈ બોલ્યા હતા : ગીતા? What does it mean? શું તે કોઈ સાપ્તાહિક છે?
સાચી વાત છે, આપણે ગણપતિનું દસ દિવસે, દશામાનું સાત કે નવ દિવસે વિસર્જન કરીએ છીએ, તેમ આપણે શું દર જન્માષ્ટમીએ આરતી પછી, પંચજીરીનો પ્રસાદ લઈને, હાથમાંથી કૃષ્ણને ખંખેરી દેવાનો સિલસિલો ચાલુ જ રાખવાનો થાય છે?
જો હા, તો રોજેરોજની કૃષ્ણભક્તિનું આપણે નક્કી કરેલું પેલું સ્થાનક, એમને માટે ફિક્સ રહે તે જ બરાબર લાગે છે : કાં તો ઘરની દીવાલે, કાં તો ઘર મંદિરના પાટીયાઓમાં! કાં તો મંદિરોના સિંહાસનોમાં કે પછી તીર્થધામોના ભવ્ય ગર્ભગૃહોમાં!
બધે જ કૃષ્ણ તો છે, અને રહેશે, પણ એ ક્યાંક અંતરના ખૂણે આવીને વસ્યા ન હોય તો તે કૃષ્ણ મને શા ખપના? નરસિંહ કે મીરાંને કૃષ્ણે નહોતા ચાહ્યા, પહેલાં એમણે કૃષ્ણને પોતાનું “જીવન” બનાવ્યું, અને પછી કૃષ્ણે તેમને “જીવંત” બનાવી દીધા!
તો મિત્રો, સવાલ એ છે કે મારા કૃષ્ણ મારી દીવાલ પરની ફ્રેમમાં છે કે પછી એ છે મારા પ્રેમમાં?
– હરિકૃષ્ણ શાસ્ત્રી.