દેશની IT ક્ષેત્રની અગ્રણી કંપની Infosys ની નોકરી છોડનારા લોકોની સંખ્યામાં સતત વધારો, જાણો લોકો આવું કેમ કરે છે.
આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ઈન્ફોસિસમાંથી નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો આપણે ત્રિમાસિક ગાળાના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે તેમાં જબરદસ્ત વધારો થયો છે. સામાન્ય રીતે, પ્રતિભાશાળી કર્મચારીઓને તેમની તરફ આકર્ષવા માટે IT કંપનીઓ વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે.
27.7% લોકોએ નોકરી છોડી દીધી :
ઇન્ફોસિસે બુધવારે તેના જાન્યુઆરી-માર્ચ 2022 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. આમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ ક્વાર્ટર દરમિયાન 27.7% કર્મચારીઓએ કંપની છોડી દીધી હતી. છેલ્લા 12 મહિનામાં નોકરી છોડનારા લોકોની આ સૌથી વધુ ટકાવારી છે. આ સતત ત્રીજું ક્વાર્ટર છે જ્યારે નોકરી છોડવા વાળાનો આંકડો 20% ને વટાવી ગયો છે. આ બાબતમાં કંપનીએ તેની હરીફ TCS (ટીસીએસ) ને પણ પાછળ છોડી દીધી છે. સોમવારે TCS એ માહિતી આપી હતી કે તેમની કંપનીમાંથી નોકરી છોડનારા લોકોની સંખ્યા 17.4% છે.
આઈટી સેક્ટરમાં પણ લોકોનું કંપનીઓ બદલવાનું એક મોટું કારણ બીજી કંપની પાસેથી સારું પેકેજ મેળવવું છે. આ ઉપરાંત, માર્કેટમાં પ્રતિભાશાળી કર્મચારીઓની અછતને કારણે, કંપનીઓ પણ એકબીજાની કંપનીના લોકોને વધુ પેકેજ પર હાયર કરે છે.

સતત વધતો ગ્રાફ :
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 25.5% લોકોએ દેશની બીજી સૌથી મોટી IT કંપની ઈન્ફોસિસની નોકરી છોડી દીધી હતી. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બરમાં આ સંખ્યા 20.1% અને એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 13.9% હતી. તેમજ ગયા વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં, કંપનીના 15.2% કર્મચારીઓએ નોકરી છોડી દીધી હતી.
50,000 થી વધુ નવી નોકરીઓ :
જો કે ઇન્ફોસીસમાંથી લોકો માત્ર નોકરી છોડીને જ જઈ રહ્યા છે એવું નથી. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22 માં કુલ 52,822 લોકોને નોકરી આપી છે. માર્ચના અંત સુધીમાં કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા 2,97,859 હતી. કંપનીએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સૌથી વધુ 22,000 કર્મચારીઓ ઉમેર્યા છે.
આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ઈન્ફોસિસે તેના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 12% વધીને રૂ. 5,686 કરોડ થયો છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.