જીવનમાં ગમે તેટલો કપરો સમય કેમ ન આવે, જો આ એક વસ્તુને જકડી રાખશો તો ક્યારેય નિષ્ફળ નહિ થાઓ, એક વાર જરૂર વાંચો.
નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. દરેકના જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી જ હોય છે. કોઈનો સમય સારો ચાલતો હોય તો એને સમસ્યાઓ નથી આવતી, અને આવે તો પણ જલ્દીથી દૂર થઈ જાય છે. અને કોઈનો સમય ખરાબ હોય એટલે કે કપરો હોય તો એણે જાત જાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને ઘણીવાર એવી મુશ્કેલીઓ આવી પડે છે કે જેનો સામનો કરવો અત્યંત અઘરું બની જાય છે.
પણ એવામાં નિરાશ થવાને બદલે પોતાના પર વિશ્વાસ રાખી જીવનને આગળ વધારતા રહેવું જોઈએ. કારણ કે સમય હંમેશા એકસરખો નથી રહેતો, એ જરૂર બદલાય છે.

સારા સમયમાં ઘમંડ ન કરવો અને ખરાબ સમયમાં નિરાશ ન થવું. સમય જ છે જે માણસને જીવનના પડાવોથી રૂબરૂ કરાવે છે. તમે ઘણીવાર લોકોને કહેતા આપતા સાંભળ્યા હશે કે, ખરાબ સમયમાં આમ ન કરવું, ફલાણું ન કરવું વગેરે વગેરે. પણ જણાવી દઈએ કે આપણા વડવાઓ એ આપણને એક એવી અત્યંત ઉપયોગી વસ્તુ વિષે જણાવ્યું છે, જેને ગમે તેટલા કપરા સમયમાં પણ જકડી રાખવી જોઈએ. અને આજે અમે તમને એક વાર્તાના માધ્યમથી એના વિષે સમજાવીશું. તો આવો શરુ કરીએ એક અત્યંત જરૂરી સ્ટોરી.
એક અંધારા ઓરડામાં એક સાથે ચાર મીણબત્તીઓ સળગી રહી હતી. તે એકબીજા સાથે વાત કરી રહી હતી. વાત કરતા કરતા ચારમાંથી એક મીણબત્તી બોલી હું શાંતિ છું, અને હવે હું આ દુનિયામાં રહેવા માંગતી નથી. બીજી ત્રણે કારણ પૂછ્યું તો એણે જણાવ્યું કે, આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં હાહાકાર મચી ગયો છે, અને જ્યાં જુઓ ત્યાં લૂંટ થઈ રહી છે, એટલે મને આવા વાતાવરણમાં નહીં ફાવે. આટલું કહીને તે બુઝાઈ ગઈ.
થોડી વાર રહીને બીજી એક મીણબત્તી બોલી, હું વિશ્વાસ છું. અને આજના જમાનામાં લોકો તો એકબીજા ઉપર વિશ્વાસ જ નથી કરતા. આથી મને એવું લાગે છે કે, મારી આ દુનિયામાં કોઈ કિંમત નથી અને કોઈને મારી જરૂરિયાત પણ નથી, એટલે હું પણ આ દુનિયા છોડીને જાઉં છું. આટલું કહીને બીજી મીણબતી પણ બુઝાઈ ગઈ.
આમ ચારમાંથી બે મીણબત્તી ઓલવાઈ ગઈ અને બે જ સળગી રહી હતી. પછી થોડીવારમાં ત્રીજી મીણબતી પણ નિરાશ થઈને બોલી કે, હું પ્રેમ છું. અને આજકાલના આ મોર્ડન જમાનાના લોકો કામમાં અને પોતાના જીવનમાં એટલા મશગૂલ રહે છે કે, લોકો પાસે બીજા માટે સમય જ નથી. લોકો એકબીજાને સાચી રીતે પ્રેમ કરવાનું જાણે ભૂલી જ ગયા છે. આથી હું પણ હવે આ દુનિયામાંથી જાવ છું. અને ચોથી મીણબત્તી કાંઈ એ પહેલા તો તે પણ બુઝાઈ ગઈ.
હવે રૂમમાં માત્ર એક મીણબત્તી બચી હતી, અને તે અડીખમ ઉભી હતી. થોડી વારમાં એક વ્યક્તિ તે રૂમમાં આવ્યો. તેણે જોયું કે રૂમના માત્ર એક જ મીણબત્તી સળગતી હતી. આથી એણે એ મીણબત્તીને પૂછ્યું કે, બાકીની ત્રણ મીણબત્તી કેવી રીતે બુઝાઈ ગઈ? તો ચોથી મીણબત્તી એ એમનો આખો સંવાદ એ વ્યક્તિને જણાવ્યો. એ સાંભળ્યા પછી વ્યક્તિએ મીણબત્તીને પૂછ્યું કે, હવે તું એકલી શું કરીશ?
આ પ્રશ્નના જવાબમાં એણે કહ્યું કે, “હું આશા છું. અને હું છેલ્લે સુધી બળીશ. અને માત્ર એટલું જ નહીં હું મારા બળથી આ ત્રણેયને ફરીથી પ્રગટાવીશ.” આ અદ્દભુત જવાબ સાંભળી એ વ્યક્તિના ચહેરા પર પણ એક અલગ તેજ જોવા મળ્યું.
તો મિત્રો, આ મીણબત્તીની વાર્તા આપણને એ શીખવાડે છે કે, જીવનમાં ગમે તેટલો કપરો સમય કેમ ન આવે, આપણે હિંમત અને આશા છોડવી જોઈએ નહિ. અને જે માણસ આશા ખોઈ બેસે છે, તેની સફળ થવાની કોઈ શક્યતા રહેતી નથી. એટલે હંમેશા આશા જીવંત રાખો. કેમ કે જો તમારી પાસે આશા હશે, તો ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, એનાથી તમને સફળતા મળવાની પુરેપુરી શક્યતા રહે છે.