જો તમારે જીવનમાં આગળ વધવું હોય, તો કૂતરા પાસેથી આ 4 ગુણો શીખવા જોઈએ, જાણો તે ગુણો કયા છે.

0
216

જીવનમાં ઘણી પ્રગતિ મેળવવા માંગો છો, તો કુતરા સાથે સંકળાયેલ આ 4 મહત્વપૂર્ણ ગુણોને અપનાવો.

આચાર્ય ચાણક્ય વિશ્વના એવા મહાન તત્વચિંતક રહ્યા છે, જેમના પરિવાર, સમાજ અને દેશ માટે કહેલા શબ્દો આજે પણ એટલા જ અર્થપૂર્ણ છે, જેટલા તેઓ સેંકડો વર્ષ પહેલા હતા. તેમણે જીવનમાં સફળતા મેળવવા માટે ઘણા રસ્તાઓ આપ્યા છે, જેના પર ચાલીને વ્યક્તિ સફળતા મેળવી શકે છે. તેઓ કહે છે કે, જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય, તો હંમેશા કંઈક શીખતા રહો. તેઓ કહે છે કે વફાદાર પ્રાણી તરીકે ઓળખાતા કૂતરા પાસેથી વ્યક્તિ એવી 4 વસ્તુઓ શીખી શકે છે, જેને અપનાવીને તેને શ્રેષ્ઠ માનવ બનવાથી કોઈ રોકી શકતું નહીં.

માલિક માટે ખૂબ વફાદાર :

ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે, કૂતરો તેના માલિક પ્રત્યે ખૂબ વફાદાર હોય છે. જે વ્યક્તિ તેને રોટલી આપે છે, તેના ભલા માટે કૂતરો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. તે પોતાના જીવનને માલિક પ્રમાણે ઢાળી નાખે છે અને તે પ્રમાણે ખાય છે અને પીવે છે. માણસે પોતાના જીવનમાં આ રીતે બનવું જોઈએ. તેણે ભગવાન અને તેના દેશ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ અને સમય પ્રમાણે અનુકૂળ થવું જોઈએ, જેથી તે સફળ વ્યક્તિ બની શકે.

સૂતી વખતે પણ સજાગ રહેવું :

ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે, કૂતરો દુનિયાનો સૌથી સતર્ક પ્રાણી છે. મનુષ્યની જેમ તે પણ ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે, પણ સહેજ અવાજ આવતાં જ તે સાવધાન થઈ જાય છે. આ રીતે તે પોતાની જાતને અને તેના માલિકને કોઈપણ મોટા સંકટથી બચાવે છે. એ જ રીતે વ્યક્તિએ પણ દરેક ક્ષણે સતર્ક રહેવું જોઈએ અને જ્યારે પણ તેને કોઈ ખતરો લાગે, તો તેણે તરત જ સાવધાન થઈ જવું જોઈએ.

સંકટનો અડીખમ રીતે સામનો કરો :

આચાર્ય ચાણક્ય કહે છે કે, કૂતરાનું સૌથી મોટું લક્ષણ તેની બહાદુરી છે. ભલે તે એકલો હોય, પરંતુ જ્યારે મુશ્કેલી આવે ત્યારે તે જરાય ગભરાતો નથી. જો તેના માલિક પર કોઈ પણ પ્રકારનું સંકટ આવે છે, ત્યારે તેના રક્ષણ માટે તે મક્કમતાથી ઊભો થઈ જાય છે. તેવી જ રીતે, આપણે બધાએ કોઈપણ સમસ્યાથી ડરવું જોઈએ નહીં અને કોઈપણ પરિસ્થિતિમાં તેનો મજબૂતાઈથી સામનો કરવો જોઈએ.

જીવનમાં સંતોષનો ભાવ રાખો :

ચાણક્ય નીતિ પ્રમાણે, કૂતરો સંતોષી સ્વભાવનો જીવ છે. દિવસભર તેને માલિક દ્વારા જે કંઈ પણ ખોરાક અને પાણી આપવામાં આવે છે, તે તેમાં સંતુષ્ટ રહે છે અને જ્યારે તેનું પેટ ભરાઈ જાય ત્યારે તે વધુ ભસતો નથી. તેવી જ રીતે, વ્યક્તિએ ખોરાક અને અન્ય જરૂરિયાતો પ્રત્યે પણ સંતોષી વલણ રાખવું જોઈએ. વધુ પડતી વસ્તુઓ ભેગી કરવાની આદત વ્યક્તિને માનસિક તણાવમાં ભેરવી દે છે, જેના કારણે પરિવારમાં માત્ર અશાંતિ જ આવે છે, બીજું કંઈ નહીં.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.