તમે હોમ લોન લીધી હોય અને દુ:ખદ બનાવમાં તમે જીવતા ન રહો તો બેંક વાળા તમારા પરિવાર સાથે શું કરશે, જાણો વિસ્તારથી.
મહામારીએ ઘણું બધું બદલી નાખ્યું છે. આથી હવે લોકો એ જાણવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જો તેમને કંઈક થઈ જાય તો પરિવારનું શું થશે અને તેઓ કેવી રીતે જીવશે? આ ચિંતા એ લોકોને વધારે પરેશાન કરી રહી છે જેમણે હોમ લોન લીધી છે. લોનની રકમ વધુ હોવાથી પરિવારના એકમાત્ર કમાતા સભ્યના દુનિયા છોડ્યા પછી પરિવાર પર સંકટ આવી શકે છે.
જો કોઈની સાથે આમ થાય છે, તો હોમ લોનનું શું થશે? કોણ તેની ચૂકવણી કરશે? શું બેંક મિલકત વેચીને તેના પૈસા મેળવશે? અથવા બીજું કંઈક થશે. આજે અમે તમને આ લેખમાં આ તમામ પ્રશ્નોના જવાબો આપવાના છીએ. તો લેખને અંત સુધી વાંચજો.
સામાન્ય રીતે કહીએ તો, આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં બેંક પાસે મિલકત અથવા મકાન વેચીને નાણાં વસૂલવાનો વિકલ્પ હોય છે, પરંતુ બેંકો તેનો ઉપયોગ છેલ્લા વિકલ્પ તરીકે કરે છે. તે પહેલા બેંકો દ્વારા પ્રોપર્ટીની હરાજી ન થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે. અહીં એક વાત સમજવી જરૂરી છે કે જ્યાં સુધી બેંકને પોતાના પૂરા પૈસા પાછા ન મળે ત્યાં સુધી મિલકત પર કાયદેસર રીતે કોઈ વારસદારનો અધિકાર નથી હોતો. અને એ સમજવું પણ જરૂરી છે કે બેંકો કાયદાકીય વારસદારને લોન ચૂકવવા દબાણ કરી શકે નહીં.
જવાબદારી કાયદાકીય વારસદાર પર આવે છે : જો કોઈ વ્યક્તિએ હોમ લોન લીધી હોય અને લોનની સંપૂર્ણ ચૂકવણી થાય તે પહેલાં તે દુનિયા છોડી દે તો લોનની ચુકવણીની જવાબદારી તેના કાયદાકીય વારસદાર પર આવે છે. આ સિવાય જો કોઈ ગેરેન્ટર (Guarantor) હોય તો તેને પણ તક આપવામાં આવે છે. આવું એવી સ્થિતિમાં થાય છે જયારે હોમ લોન પ્રોટેક્શન પોલિસી ન લેવામાં આવી હોય.

આ સ્થિતિમાં જો પરિવાર લોન ચૂકવવા સક્ષમ નથી, તો તેમણે બેંકને જાણ કરવી પડશે. આવી સ્થિતિમાં, બેંક પરિવારની આર્થિક સ્થિતિ અનુસાર લોનનું રિ-સ્ટ્રક્ચર કરવાનો સખત પ્રયાસ કરે છે. આ હેઠળ, EMI ઘટાડીને લોનની મુદત વધારવા જેવા વિકલ્પો હોય છે. બેંકો પરિવારને પૈસા ચૂકવવા માટે પૂરો સમય અને રાહત આપે છે.
આ ઉપરાંત એક વિકલ્પ એવો પણ છે કે જો કાયદેસર વારસદાર લોન ચૂકવવા સક્ષમ ન હોય, તો તે અન્ય વારસદારને આપી શકાય છે જેની પાસે આવકના પૂરતા સાધનો હોય. બેંક ઘરના નવા માલિકની નાણાકીય ક્ષમતા અનુસાર લોન એડજસ્ટ કરી શકે છે.
ઘરની હરાજીનો વિકલ્પ છેલ્લો : જેમ કે અમે પહેલાથી જ કહ્યું છે કે કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં, બેંકો પણ પરિવારને ટેકો આપે છે. જો બેંકને ચુકવણીની કોઈ પદ્ધતિ દેખાતી નથી, તો મામલો ઘરની હરાજી સુધી પહોંચે છે. આ પહેલા બેંકો કાયદાકીય વારસદારો સાથે વાટાઘાટો કરવા અને તેમને ફ્લેક્સી પેમેન્ટ પ્લાન આપીને તેમને પુન:ચુકવણીના વિકલ્પો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે.
જો લોન લેનાર તરફથી 90 દિવસ સુધી કોઈ ચુકવણી ન થાય, તો બેંક તેને NPA એટલે નોન-પરફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરે છે. બેંકો લેખિતમાં નોટિસ મોકલીને કો-બોરોઅર્સ (Co-Borrowers) પાસેથી 30 દિવસમાં જવાબ માંગે છે. જો આ સમય દરમિયાન કોઈ યોગ્ય જવાબ ન મળે, તો ઘરની હરાજી માટે પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે.
જો તમારી પાસે વીમો હોય તો કોઈ વાંધો નથી : હોમ લોન લેતી વખતે, જો બેંકમાંથી તે લોન માટે વીમો (ઇન્શ્યોરન્સ) લેવામાં આવે, તો પરિવારે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ જ કારણ છે કે હોમ લોન ઈન્સ્યોરન્સ પોલિસી ખૂબ જ લોકપ્રિય છે. જો આ પોલિસી લેવામાં આવે તો લોન લેનારના ગયા પછી પરિવારને ઓછામાં ઓછું લોન ચૂકવવાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વીમા કંપની બાકીના પૈસા બેંકને ચૂકવે છે અને ઘર કાયદેસરના વારસદારને મળી જાય છે.
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.