વર્ષોથી રોટલી ખાઈ રહ્યા છો, પણ ક્યારેય વિચાર્યું કે આપણી થાળીમાં તે આવી ક્યાંથી, જાણો તેનો ઈતિહાસ.

0
736

રોટલી તો દરરોજ ખાવ છો પણ એ જાણો છો કે તેની ઉત્પત્તિ ક્યાં થઈ હતી, જાણો રોટલીની ચકિત કરી દેનારી વાતો.

રોટલી જેને લોકો ફુલકા, ચપાતી વગેરે નામથી પણ ઓળખે છે તે ભારતીય ખોરાકનો મુખ્ય ભાગ છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં જ્યાં ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જે રોટલી આપણા ભોજનમાં ખૂબ મહત્વ ધરાવે છે તે આપણી થાળીમાં કેવી રીતે પહોંચી? તેનો અર્થ એ કે તે કેવી રીતે, ક્યારે અને ક્યાંથી ઉદ્ભવી? જો નહીં, તો ચાલો જાણીએ.

કેટલાક પર્શિયા તો કેટલાક પૂર્વ આફ્રિકાને માને છે રોટલીનું મૂળ : રોટલીની ઉત્પત્તિ અંગે વિવિધ સિદ્ધાંતો છે. કેટલાક લોકો માને છે કે રોટલી પર્શિયાથી આવી હતી. તે સમયે તે થોડી જાડી અને મેંદામાંથી બનતી હતી. જો આપણે ઘઉંની રોટલી વિશે વાત કરીએ, તો તેની ઉત્પત્તિ અવધ રાજ્યમાં થઇ હોવાનું માનવામાં આવે છે. તેનો આકાર વાટકા જેવો હતો અને તે મેંદાની રોટલી કરતા પાતળી હતી.

જો કે, કેટલાક લોકો માને છે કે રોટલીની ઉત્પત્તિ પૂર્વ આફ્રિકામાં થઇ હતી. અહીં સ્વાહિલી ભાષા બોલતા લોકો સપાટ બ્રેડ અથવા રોટલી ખાતા હતા. એવું કહેવાય છે કે, ત્યાંથી વેપાર માર્ગો દ્વારા રોટલી દક્ષિણ એશિયાઈ દેશોમાં પહોંચી હતી.

રોટલી ભારત માટે નવી નથી : ભલે તમામ થિયરી રોટલીની ઉત્પત્તિ ભારતની બહાર જણાવે છે, પરંતુ ઐતિહાસિક પુરાવા દર્શાવે છે કે રોટલી સાથે ભારતીયોનો સંબંધ ઘણો જૂનો છે. એવું એટલા માટે કારણ કે તેના નિશાન 3300-1700 ઈ.પૂ. ની હડપ્પા સંસ્કૃતિમાં પણ જોવા મળે છે. તે સમયે લોકો ઘઉં, બાજરી, જવ વગેરે ઉગાડતા હતા.

જણાવી દઈએ કે, રોટલી જેને હિન્દીમાં રોટી કહે છે આ શબ્દ સંસ્કૃત શબ્દ ‘રોટિકા’ પરથી આવ્યો છે, જેનો ઉલ્લેખ 16 મી સદીમાં ભરત મિશ્રા દ્વારા લખાયેલા આયુર્વેદ ગ્રંથ ‘ભાવપ્રકાશ’ માં પણ છે. ઉપરાંત, રામચરિતમાનસમાં તુલસીદાસે 1600 ઈસ પૂર્વે વાટકાના આકાર સાથે મળતી રોટલીનું વર્ણન કર્યું છે. 10 મી અને 18 મી સદી વચ્ચેના કન્નડ સાહિત્યમાં પણ ઘઉંમાંથી બનેલી રોટલીનો ઉલ્લેખ છે.

તેમાં આગની જ્વાળામાં બે પ્લેટની વચ્ચે ગૂંથેલા લોટને શેકવાનું કહેવામાં આવ્યું હતું, જે મુચ્ચાલા રોટલી બનાવવાની રીત છે. બીજી તરફ, કિવિચુ રોટલીને તવા પર શેકીને ખાંડ અથવા ખાવા યોગ્ય કપૂર સાથે ખાવામાં આવતી હતી. તેવી જ રીતે, ચુછૂ રોટી, સાવુદૂ રોટી વિશે પણ લખવામાં આવ્યું છે. આમાંની ઘણી પદ્ધતિઓ આજે પણ ઉપયોગમાં લેવાય છે.

મુઘલ સમ્રાટો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ રોટલી પસંદ હતી : રોટલીનો ઉલ્લેખ ‘આઈન-એ-અકબરી’ માં પણ જોવા મળે છે. અબુલ-ફઝલે 16 મી સદીના આ દસ્તાવેજમાં ઉલ્લેખ કર્યો છે કે, રોટલી એ મુઘલ સમ્રાટ અકબરની પ્રિય વસ્તુઓ માંની એક હતી. અકબરને ઘઉંની રોટલી એટલી પસંદ હતી કે તે ઘી અને ખાંડ સાથે પણ ખાતા હતા.

એટલું જ નહીં ઔરંગઝેબને પણ રોટલી ખાવાનું પસંદ હતું. કહેવાય છે કે ઔરંગઝેબે ફિટ રહેવા માટે શાકાહાર પસંદ કર્યો હતો. તેમના શાસન દરમિયાન, રોટલીનું કદ હથેળી જેટલું હતું. તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા રોટલીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે સમય દરમિયાન અંગ્રેજો સામે રોટલીને સ્વતંત્રતાનો સંદેશ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ સંદેશ તરીકે થતો હતો.

એક વાત સ્પષ્ટ છે કે રોટલીનો ઈતિહાસ ઘણો જૂનો છે. જો કે તેને પહેલી વખત કોણે બનાવી તેના કોઈ નક્કર પુરાવા નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે રોટલી એક જ વાર બની ન હતી. તેના માટે લોકોએ સતત અલગ-અલગ પ્રયોગો કર્યા હતા, જેના પછી આજે આપણે રોટલીનું આવું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. ભલે ભૂતકાળમાં તેને કોઈ પણ વ્યક્તિએ ગમે ત્યાં બનાવી હોય, પરંતુ રોટલી ખરેખર ખાવા માટેની એક અદ્ભુત વસ્તુ છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.