પુરાણો અનુસાર આ પર્વત પર થયો હતો હનુમાનજીનો જન્મ, અહીં સ્થાપિત થશે પવનપુત્રની 30 ફૂટની મૂર્તિ.

0
278

જાણો તે સ્થળ વિષે જ્યાં અંજનીપુત્ર હનુમાનનો થયો હતો જન્મ, આટલા બધા ધાર્મિક ગ્રંથોમાં છે તેનો ઉલ્લેખ.

આંધ્રપ્રદેશના તિરુપતિ-તિરુમાલામાં અંજનેદ્રી પર્વત પર માઘ પૂર્ણિમાના અવસરે હનુમાનના જન્મસ્થળ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અંજનેદ્રી પર્વત તિરુમાલાના સાત પર્વતોમાંથી એક છે જે ખાસ આકાશગંગા નામની જગ્યાની નજીક છે.

આંધ્રપ્રદેશમાં આવેલ અંજનેદ્રી પર્વત પર હનુમાનજીની 30 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત માતા અંજનીનું મંદિર, મુખ્ય મંડપ અને ગોપુરમ બનશે. ભદ્રાચલમમાં બનાવેલા યદાદ્રિ મંદિરના વાસ્તુકાર અને પ્રસિદ્ધ કળા નિર્દેશક આનંદ સાંઈને અંજની મંદિર અને ગોપુરમની ડિઝાઈનનું કામ સોંપવામાં આવ્યું છે. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટના ટ્રસ્ટી નારાયણ નાગેશ્વર રાવ અને મુરલી કૃષ્ણ મંદિરનો સમગ્ર ખર્ચ ઉઠાવશે. મંદિર

આ સ્થળોને પણ માનવામાં આવે છે હનુમાનજીનું જન્મ સ્થળ : ટીટીડી દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ મુરલીધર શર્માની અધ્યક્ષતામાં રચવામાં આવેલી પંડિત પરિષદે હનુમાન જન્મ સ્થળને લઈને એક અહેવાલ તૈયાર કર્યો છે. તેમાં ઘણા પૌરાણિક, વૈજ્ઞાનિક, સાહિત્યિક સ્ત્રોતોને ટાંકીને અંજનેદ્રી પર્વતને હનુમાનજીનું જન્મ સ્થળ જાહેર કર્યું છે. ટીટીડીના આ અહેવાલના આધારે, અંજનેદ્રી પર્વતને ગયા વર્ષે રામનવમીના અવસર પર હનુમાનજીના જન્મ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

જોકે આ સિવાય પણ અન્ય પાંચ સ્થળો છે જે હનુમાનજીનું જન્મ સ્થળ હોવાના દાવા કરવામાં આવ્યા છે. તેમાં કર્ણાટકમાં હમ્પી નજીક આવેલું અંજનેદ્રી, ઝારખંડના ગુમલાથી 21 કિમી દૂર અંજન ગામ, ગુજરાતના નવસારીમાં આવેલો અંજન પર્વત, હરિયાણાના કૈથલમાં અને મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વરથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલ સ્થળનો સમાવેશ થાય છે.

હનુમાન જન્મ સ્થળ આ પુરાણો પરથી સાબિત થયું : પંડિત પરિષદના અહેવાલ મુજબ, વાલ્મીકિ રામાયણમાં સુંદરકાંડના 35 માં સર્ગના 81-83 મા શ્લોક સુધી સ્પષ્ટ રીતે લખેલું છે કે, માતા અંજનીએ આ પર્વત પર હનુમાનજીને જન્મ આપ્યો હતો. તેથી જ હનુમાનજીને આંજનેય કહેવાય છે અને આ પર્વતને અંજનેદ્રી કહેવામાં આવે છે.

1491 અને 1545 ના શ્રીવારી મંદિરના શિલાલેખમાં ઉલ્લેખ છે કે, અંજનેદ્રી પર્વત જ હનુમાનજીનું જન્મ સ્થળ છે. આ ઉપરાંત તેનો ઉલ્લેખ વ્યાસ મહાભારતના વન પર્વમાં 147 માં અધ્યાયમાં, વાલ્મિકી રામાયણના કિષ્કિંધા કાંડના 66 માં સર્ગ, શિવ પુરાણ, શત પુરાણ સંહિતાના 20 મા અધ્યાય, બ્રહ્માંડ પુરાણ શ્રી વંકટાચલ માહાત્મ્યના પહેલા અધ્યાય, સ્કંદ પુરાણના ખંડ 1-38 માં પણ મળે છે.

પંડિત પરિષદના અહેવાલમાં હમ્પી વિશે કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ પુરાણ અને પ્રાચીન સાહિત્યમાં કિષ્કિંધા તરીકે પ્રચલિત છે. શક્ય છે કે હનુમાનજી અહીંથી (તિરુમાલાથી) હમ્પી (કિષ્કિંધા) ગયા હશે, જે અહીંથી 363 કિલોમીટર દૂર છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.