વ્રજમાં ભગવાનની નિત્ય લીલા થાય છે. હવે આપણને તેનો અનુભવ કેવી રીતે થાય? શાંડિલ્ય મહર્ષિ કહે છે કે વ્રજની સેવા કરો અર્થાત્ ત્યાંની નદી, નદ, કુંડ, સરોવર, વન, પર્વત વગેરેની સુરક્ષા કરતા રહીને ગાયની સેવા કરો. આ જે છે, એ ગાયોના ઉપાસના-ક્રીડાસ્થળ જ છે. એ સુરક્ષિત રહેશે તો ગાયોની સેવા ચાલુ રહેવા પામશે.
આજે ગોસેવામાં જે સમસ્યાઓ પેદા થઈ રહી છે, તેનું મૂળ કારણ એ જ છે કે ગાયોને વિચરવાનું જે સ્થાન છે, તે નષ્ટ થઈ ગયું. અમે અમારા બચપણમાં જોયું છે કે લોકોને ત્યાં ઘણી ગાયો રાખવામાં આવતી હતી અને તે ગાયોની સેવા કરવામાં તેમને કોઈ મુશ્કેલી પડતી ન હતી, કારણ કે સવારે ગાયને છોડવામાં આવતી અને ગાય ચરાવનારો ગોવાળિયો ગાય ચરાવવા લઈ જતો.
નદી અને તળાવના કિનારે ગાયો ખૂબ ચરતી-ફરતી, નદી-સરોવરનું પાણી પીતી અને રખડી-ફરીને સાંજ થતાં થતાં પાછી આવી જતી. ગાય એટલી સાવધાન હોય છે કે તેને ચરાવવા લઈ જવા લાવવા માટે થોડા દિવસ જવું-આવવું પડે છે, પછી તો તેઓ એવી અભ્યાસુ થઈ જાય છે કે ટોળેટોળાં પોતાની મેળે જ ગામની સીમમાં આવીને પછી પોતપોતાના ઘરમાં પોતાની મેળે પહોંચી જાય છે અને કેટલીક તો જ્યાં તેમને બાંધવાની જગા છે, ત્યાં જઈને ઊભી રહી જાય છે.
હવે આખો દિવસ ખૂબ ખાઈપીને ઉછળી-કૂદીને આવી છે; જંગલની શુદ્ધ હવા, શુદ્ધ પાણી પીને આવી છે, હવે રાત્રે તેમને થોડું ઘાસ નાખી દીધું, સવારે થોડો ચારો નાખી દીધો અને સવારે-સાંજે દોહી લીધી. અગાઉ ખર્ચ ઓછો હતો અને હાલ ખૂટા પર બાંધીને પાળવાની છે. ગાયને ચરવાનું રહ્યું નથી, ફરવારખડવાની જગા નથી રહી, ગાય રખડી-ફરીને જેટલી સ્વસ્થ રહી શકે છે, તેવી રીતે ગાયને એક ઠેકાણે બાંધી રાખવાથી સ્વસ્થ નથી રહી શકતી.

ગાયને ફરવા-ચરવાની પૂરતી જગા હોવી જોઈએ, તો જ ગામ સ્વસ્થ રહી શકે છે. ગાયની સેવા વધારે ખર્ચાળ ન હતી. સહજ સામાન્યરૂપે લોકો ગોપાલન કરી લેતા હતા, એનું કારણ એ જ હતું કે ગોચરણ માટે ગોચરભૂમિ અને જંગલ સુરક્ષિત હતાં. હાલ જ્યાં જ્યાં જંગલ સુરક્ષિત પણ છે, ત્યાં ગાયને ચરવાની અનુમતિ નથી. કેટલા દુર્ભાગ્યની વાત છે કે જંગલ ગાયને માટે જ છે પણ ત્યાં તેના પ્રવેશ પર પ્રતિબંધ છે.
જંગલ જ્યાં સુધી હર્યા-ભર્યા અને શક્તિ તથા ઊર્જાથી સંપન્ન રહી શકે છે, ત્યાં સુધી તેમનામાં સ્વચ્છંદરૂપે ગાય વિચરણ કરે; કેમ કે ગાય હરતાં ફરતાં રહીને ઔષધિઓનું ભક્ષણ કરે તો તે દિવ્ય ઔષધીય ગુણ તેના દૂધમાં આવે અને પછી તે જે ગોબર-ગોમૂત્ર કરે તો પૃથ્વીનો ખોરાક જ ગોબર અને ગોમૂત્ર છે. પૃથ્વી પોતાનો ખોરાક મેળવીને પૃષ્ટ થાય, તેની ઉપજશક્તિ વધે તો વૃક્ષો પણ લીલાંછમ થાય.
હાલમાં જ આ સમયે ગોવર્ધનની બાબતમાં એક મહાત્માજી કહી રહ્યા હતા કે મોટાં મોટાં જૂનાં વૃક્ષો સૂકાઈ રહ્યાં છે. આના પર અનુસંધાન કરવામાં આવ્યું તો એ વાત જાણવામાં આવી કે પેલાં વૃક્ષોને ખોરાક નથી મળી રહ્યો. કયો ખોરાક? કહ્યું ગોબર-ગોમૂત્ર નથી મળતાં.
બળતણના તમામ વિકલ્પ આપી ચૂક્યા છે, સૌર ઊર્જા, વીજળી, કેરોસીન, ગેસ તેમ છતાં પણ પર્વત બોડા થઈ ગયા, તેમના પર કોઈ વૃક્ષ નથી, જંગલોમાં ઝાડ નથી, કેમ નથી? અને આજ પહેલાં બળતણના વિકલ્પ ન હતા તો જંગલી લાકડાં અને છાણાંથી જ બધું કામ થતું હતું ત્યારે પણ વન સુરક્ષિત હતાં.
એવું ન હતું કે એ સમયે જંગલો કપાતાં ન હતાં. એ સમયે પણ જંગલો કપાતાં હતાં, પરંતુ ગોબર-ગોમૂત્રને કારણે એ વનભૂમિને, એ વૃક્ષોને પોષણ મળતું રહેતું હતું. નવાં-નવાં વૃક્ષો પેદા થતાં રહેતાં હતાં, પરંતુ હાલ એ વાત નથી. એટલા માટે પર્વત અને વનને સુરક્ષિત કરવાનો ઉપાય પણ એ જ છે કે એમને ગોવંશને ચરવાને માટે ઉપયુક્ત બનાવવામાં આવે. ગો-અભ્યારણ્ય સ્થાપિત કરવામાં આવે, જ્યાં ગાયો નિર્ભય થઈને હરે-ફરે. કોઈ નદીનો પ્રદેશ હોય અને મોટા પ્રમાણમાં ગોચારણ હોય તો આજે પણ સમૃદ્ધિ ફરી પાછી આવી શકે છે. ધરતી લીલીછમ બની શકે છે.