ગોરક્ષા અને ગોસંવર્ધન ભાગ 3: શા માટે અત્યારના લોકોને ગોસેવાનો મહિમા નથી, ધાર્મિક ગ્રંથોમાં ગોસેવાનું શું મહત્વ દર્શાવ્યું છે.

0
187

હકીકતમાં આપણે ગાયની બાબતમાં વિચાર તો ઘણા વધારે કરીએ છીએ. કોઈ આપણને ગાયના વિષે બોલવાનું કહે તો આપણે વ્યાખ્યાન આપી શકીએ છીએ, કોઈ બહુ મોટો લેખક વ્યવસ્થિત રૂપે લખવાનું કહે તો લેખ પણ લખી શકીએ છીએ, પરંતુ ઈમાનદારીથી આપણા મન દ્વારા ગાયની ભક્તિ થવા પામતી નથી. પછી અમારું જે કહેલું સાંભળ્યું છે, તેનો કંઈ પણ મહિમા નથી, એ તો અમે નથી કહી શકતા, પરંતુ આ એક જાતનો દંભ છે.

એટલા માટે અમારા પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું કે, “જુઓ પંડિતજી! જે દિવસે એક પણ ગાય નહીં રાખશો, ગાયની સેવા નહીં કરશો, એ દિવસે ગાયની બાબતમાં બોલવાના અધિકારી નહીં રહેશે.” તેથી ગાયની બાબતમાં બોલવાના અધિકારી બની રહીએ, એના માટે કોઈ પણ કામમાં ખામી આવી જાય, પરંતુ ગોસેવામાં ખામી નહીં આવવી જોઈએ. ગમે તેવી મુશ્કેલી પણ સહન કરીને ગાયની સેવા કરવી જોઈએ.

પુરાણોમાં ગોમહિમા છે, સ્મૃતિઓમાં ગોમહિમા છે, સંતોની વાણીમાં ગોમહિમા છે, આવશ્યકતા છે કે વેદથી લઈ પુરાણ, આગમ, ઇતિહાસ, ગ્રંથ અને સંતોની વાણીઓ – એમનું વિસ્તૃત, ગહન અધ્યયન થાય અને એક ગંભીર ચિંતન-વિચારપૂર્વક સઘળાં ઉદ્ધરણોને એક ઠેકાણે સંકલિત કરવામાં આવે, સંગ્રહ કરવામાં આવે, તેમની વ્યાખ્યાઓ પણ પ્રસ્તુત કરવામાં આવે તો અમે માનીએ છીએ કે એક વિશાળ ગ્રંથ તૈયાર થઈ જશે, એટલો ગાયનો મહિમા છે.

શ્રીમદ્ભાગવતમાં પણ ગાયના મહિમાનું ઘણું વર્ણન કરવામાં આવ્યું છે, એ સમયે ગોવંશ કેટલો સમૃદ્ધ હતો, આ વાતની ચર્ચા પણ ભાગવતના કેટલાક પ્રસંગોમાં કરવામાં આવી છે. ગોકર્ણજીનું પ્રાકટ્ય ગાયથી જ છે અને ગાયના ઉદરથી પેદા થયેલા ગોકર્ણ મહાત્મા એટલા પ્રભાવશાળી થયા કે ભાગવતના માહાભ્યમાં એમની ઉપમા શ્રીરામજી સાથે કરવામાં આવી.

જેવી રીતે ભગવાન શ્રીરામે તમામ અવધવાસીઓને પોતાના નિત્ય ધામની પ્રાપ્તિ કરાવી, એ જ રીતે મહાત્મા ગોકર્ણની વાણીના પ્રસાદથી ભગવાન શ્રીકૃષ્ણનું અવતરણ થયું અને ભગવાન દ્વારા સમસ્ત શ્રોતાઓને નિત્ય ધામની પ્રાપ્તિ કરાવવામાં આવી. ભાગવતના મુખ્ય વક્તા શ્રીશુકદેવજી મહારાજ ભિક્ષામાં ગોદૂધ લેતા રહ્યા, એવું શ્રીમદ્ભાગવત તથા બીજા બીજા ગ્રંથોમાં વર્ણવેલું છે.

શ્રીમદ્ભાગવતમાં ગાયનો ઘણો મોટો મહિમા વર્ણવેલો છે. એક ગોસેવક ભક્તને માત્ર ગાયની સેવાથી ભગવાનની ગોચારણલીલાનું દર્શન તેમ જ નિત્ય લીલામાં પ્રવેશ મળ્યો.

જ્યાં સુધી આપણી બુદ્ધિમાં એ વાત જડાયેલી હશે કે ગાય પશુ છે, ત્યાં સુધી યોગ્ય રીતે સેવા થઈ શકશે નહીં. સેવા સદા સેવ્યની થાય છે, ઉપાસના સદા ઉપાસ્યની થાય છે અને ઉપાસના-સેવા ત્યારે શક્ય છે, જ્યારે સેવ્ય પ્રતિ – ઉપાસ્ય પ્રતિ – આપણી બુદ્ધિ એવી બની જાય કે આ સાક્ષાત્ ભગવાન છે.

ગાય જ સાક્ષાત્ ભગવાન છે, એ વાત આપણા ખ્યાલમાં આવી જાય અને આવો ખ્યાલ કરીને ગાયની સેવા કરવામાં આવે તો ગોસેવાથી ભગવતપ્રાપ્તિ થઈ જાય. ગાય પ્રતિ આપણી પશુબુદ્ધિ હોવાને કારણે ગાય પ્રતિ મહત્ત્વ જાગતું નથી. એટલા માટે સેવાથી જેવો લાભ મળવો જોઈએ, એ લાભ મળવા પામતો નથી.

ભગવાનને વાંછિત વસ્તુઓમાં સૌથી પહેલી વસ્તુ છે ગાય. ગાય વિના શ્રીકૃષ્ણ પ્રસન્ન થતા નથી. તમે ષોડશોપચાર શું, ભલે સેંકડો ઉપચારોથી ભગવાનનું પૂજન કરી લો, પરંતુ ગો-પદાર્થ જો સેવા-પૂજામાં નથી તો ભગવાન સંતુષ્ટ નથી. ગાય વિના ગોવિંદનું પૂજન શક્ય નથી. ગાય ભગવાનની વાંછિત વસ્તુ છે.

ભગવાનની બીજી વાંછિત વસ્તુ છે ગોપ. ગાયોની રક્ષા કરે અને ગાયોનું પાલન કરે તેને કહે છે ગોપ.
અર્થાત્ ભગવાનની પહેલી ઇચ્છા એ છે કે હું ગાયોથી ઘેરાયેલો રહું, બીજી ઇચ્છા છે કે હું ગોપાલકો, ગોસેવકોથી ઘેરાયેલો રહું અને ગોસેવામાં સહયોગ કરનારા પેલા જે ગોપગણોની ગૃહિણીઓ છે, ધર્મપત્નીઓ છે, તેઓ જ છે ગોપી.

તો ગાયોનું જે રક્ષણ-પાલન કરે તેને ગોપ કહે છે અને ગાયોનું રક્ષણ-પાલન કરનારી જે છે, તેમને ગોપી કહે છે.
આનો મતલબ છે ગોરક્ષા, ગોસેવામાં જેની પ્રવૃત્તિ છે, એ જ મનુષ્ય ગોપ છે તથા ગોરક્ષા, ગોસેવામાં જેની પ્રવૃત્તિ છે, એ જ નારી ગોપી છે અને ગોપ-ગોપી શ્રીકૃષ્ણને પ્રિય છે. આપણે શ્રીકૃષ્ણના પ્રિય પાત્ર બનીએ, એના માટે જરૂરી છે કે આપણે ગોપ અને ગોપી બની જઈએ.

ગાય, ગોપ અને ગોપી – એમની સાથે નિરંતર રમવું ભગવાનને પ્રિય છે. ગોવંશની વચ્ચે રહીને જ ઠાકોરજી આપ્તકામ થાય છે અને આ ઇચ્છા ભગવાનની વ્રજમાં આવીને પૂરી થાય છે –

કામાસ્તુ વચ્છિતાસ્તસ્ય ગાવો ગોપાશ્ચ ગોપિકાઃ ||

નિત્યાઃ સર્વે વિહારીદ્યો આપ્તકામસ્તતસ્વયમ્ ||