મેરી મહેફિલ મેં કિસ્મત આજમા કર…
એક હાસ્યલેખિકા શેરો-શાયરી પર હાથ અજમાવવા નીકળે તો કવિ, શાયર અને વાચકોની શી દશા થાય?! એ જોવા “મેરી મહેફિલ મેં કિસ્મત આજમા કર તુમ ભી દેખ લો… હાં જી હા… તુમ ભી દેખ લો…”
(1) અક્ષર મારી મૂડી, ને શબ્દ તો છે વ્યાજ,
પંક્તિ એક એક ચક્રવૃદ્ધિ, પછી તો જેવી તમારી બુદ્ધિ.
(2) પ્રેમમાં જ પીડા કેમ?
ગળપણમાં જ કીડા કેમ?
(3) કપ-રકાબીનો ખડખડાટ સાંભળ્યો, ને ચા યાદ આવી.
પોતાનો દીકરો ઝઘડયો, ને બા યાદ આવી.
(4) પાંદડું લીલું ને રંગ રાતો,
એનોય મારા મૂળચંદને વાંધો.
(5) ફાડવી તો રસીદ, ને મા-ર-વો તો મીર,
મરદ થઈને ખેંચવાં, શું દ્રૌપદીનાં ચીર?
(6) નાતજાતની ચોક્કસ એક લાત હોય છે,
ડરામણી તેથી જ પ્રત્યેકની મુલાકાત હોય છે!
(7) લોન લીધી પ્રેમની પ્રેમિકા પાસેથી
અને હપતા ઉઘરાવ્યા પત્નીએ!
(8) પિત્તળ તો પિત્તળ જાહેર છે,
સોના તરફ શંકાની જરૂર છે!
(9) બધા કાંઈ જન્મથી જ કાળા નથી હોતા,
જલી જલીને ઘણાએ એ રંગ બનાવ્યો છે!
(10) કૂતરા સિવાય કોઈ ભસતું નથી,
માણસ સિવાય કોઈ હસતું નથી.
ઋણાનુબંધ જેવું અવશ્ય હોય છે,
સાવ અમથું ‘કોઈ’ દિલમાં વસતું નથી.
(11) કભી તો મિજાજ નરમ રખ્ખો,
કડી ધૂપ મેં ભી રાતેં ઠંડી હોતી હૈ.
(12) કલ્પનાને કવિનું તેડું ન હોય,
પનિહારીની કાખે જ બેડું હોય.
(13) પર્ણો હાલે સુક્કાં અને અવાજ ન થાય એવું કેવું?
દિલના બોલે ભુક્કા અને અવાજ ન થાય એવું કેવું?
(14) સાપને કાંચળીનો ભાર લાગે છે,
વાંદરાને પૂંછડીનો ભાર લાગે છે.
માતાને બાળનો ભાર લાગે છે,
મૂળચંદની મતિને વાળનો ભાર લાગે છે!
(15) રૂપાળું એટલું આળું
ગુલાબ ચોતરફ કાંટાળું.
(16) સંતાનો અમથાં બને નિમિત્ત
‘મા’ શબ્દને જ ક્યાં આધાર છે?!
(17) શબ્દોના ખીલાથી ઠોકશો નહિ ઈશ્વરને,
આત્મા-પરમાત્મા વચ્ચે દીવાલ જ નથી!

(18) ચકીબેન વાઘની વાત માંડવા બેઠાં છે,
કીડીબેન જુઓને, કોલસા ભાંગવા બેઠાં છે!
(19) નળ છે પણ પાણી નથી,
જીભ છે પણ વાણી નથી.
સૌંદર્ય છે બેનમૂન પણ,
નોકરાણી છે એ, રાણી નથી!
(20) હશે ઈશ્વરની કોઈ મજબૂરી
નહિ તો, શિખરે ન બેસાડે કાગડાને!
(21) ઘર મળે સારું તો ઈશ્વરને આવવું છે ધરતી પર,
‘બેડ’રૂમ ઘણા છે, ‘ગુડ’રૂમનો અભાવ છે ધરતી પર.
(22) નીકળ્યું કંઈક ફોતરી જેવું જ ખોતરતાં,
કાનમાં ખંજવાળ કેવી મીઠી ઊપડી’તી?!
(23) ભાગ્યએ મને હંમેશાં દગો દીધો છે,
નેપાળા જેવા નેપાળાએ કબજિયાત ભેગો કીધો છે!
(24) કણબીયે કૂણો થઈ જાય,
પ્રેમ જો એને થઈ જાય!
(25) આ છે શેરબજાર,
કહી શકાય એને ફેરબજાર.
લાગે ક્યારેક અપના બજાર.
ક્યારે લાગે ગૈર બજાર!
(26) જીવન Constant ક્યાં રહેવાનું?
Instant તેથી જ જીવવાનું!
(27) દાળ, દાળ ના રહી, શાક શાક ના રહા,
રોટલી… હમે તેરા, એતબાર… ના રહા….!
(28) ૨૪ ટકા વ્યાજે પૈસા ધીરનાર હું
‘ફડચા’ બેંકમાં ખાતું ખોલાવી બેઠો!
(29) કહીએ કોઈને ‘નક્કામો’ તો થઈ જાય ફા-ઇ-ટ,
હળવે રહીને કહીએ, ભઈલા… તું તો દિવસની લાઇટ!
(30) સંબંધ એક પણ ન મળ્યો અકબંધ,
દોરી ક્યાંક ને ક્યાંક ઢીલી પડી, પડીકાની.
(31) ગમે તો છે સહુને પત્નીને સાથે રાખવી,
વાંધો ‘પોતાની’ જ રાખવી પડે છે એનો છે!
(32) ઉત્સુક છું કેવળ શૂન્યમાં સમાઈ જવા,
એકડાની જેમ આગળ ખડા થઈ જાય લોકો!
(33) ઉમદા બહુયે લખ્યું – વાંચ્યું,
થોડા ઉમદા થઈ પણ લઈએ,
લીટી એક વધી જઈને,
ખુદમાંથી ખુદા થઈ જઈએ!
મિત્રો, મણિને રીઝવવા માટે મૂળચંદ ક્યારેક મીઠાઈ બનાવવા બેસે તો મીઠાઈમાં મીઠું (નમક) પણ આવી જાય એવું બને! પણ મૂળચંદનો હેત તો મીઠાસ ચખાડવાનો જ હોય. બાય ધ વે, મહેફિલ કેવી લાગી? મીઠી, ખારી, ખાટી, કડવી, તૂરી કે તીખી?
(છમ્મવડું)
‘શેરો – શાયરી કેવાં લાગ્યાં?’
‘સોલીડ શીરા’ જેવાં!
(લાફિંગ મોલ માંથી)