એક છોકરીએ કામવાળીની દીકરી માટે જે કર્યું તે જાણી વડાપ્રધાન ખુશ થયા અને ભેટ મોકલી, વાંચો પ્રસંગ.

0
1000

“ભણે તે ભણાવે”

ઈ.સ. 1977 ની સાલની વાત છે. એ વેળા મોરારજીભાઈ દેસાઈ આપણા વડા પ્રધાન હતા. આપણા દેશમાં ઘણા લોકો ભણેલા નથી, એનું એમને ખુબ લાગી આવતું હતું. એટલે તેમણે આપણા દેશવાસીઓને જાહેર અપીલ કરી હતી : ‘દરેક ભણેલો માણસ એક અભણ માણસને ભણાવે તો નિરક્ષર નિવારણનો આપણો સવાલ સહેલાઈથી ઊકલી જાય. બસ, ભણે તે ભણાવે!’

‘ગીતા’ નામની એક છોકરી. એ છોકરી ખૂબ શાણી. આપણા પાટનગર દિલ્હીની છોકરી, નવમા ધોરણમાં ભણે. વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની આ અપીલ એ ગીતાના વાંચવામાં આવી, તરત જ એ ડાહીડમરી છોકરીને થયું : ‘વડાપ્રધાનની વાત કેટલી સરસ છે! અરે, મારા ઘરમાં એક ગરીબ નોકરડી છે. બિચારી બહુ ગરીબ છે. તેની દીકરી વીણા અગિયાર વરસની થઈ તો યે અભણ છે! કેમકે ગરીબ માં પોતાનાં છોકરાંને કેવી રીતે ભણાવી શકે?

નોકરડી માં કામે જાય ત્યારે વીણાને તેના નાના ભાઈને રાખવો પડતો હતો. માટે, લાવ હું અભણ વીણાને ભણાવું. વળી વીણા ભલે અભણ હતી, પરંતુ બહુ કામગરી હતી, હરામખોર જરા પણ ન હોતી. દેખાવે હોશિયાર ને સુંદર હતી. ગીતાને એ ભલી છોકરી ગમતી હતી.

આ અભણ વીણાને ગીતાએ પોતે સ્લેટપેન લાવી આપી, દરરોજ પોતે એના માટે એક કલાક કાઢવા માંડ્યો. દરરોજ એક કલાક તેને ભણાવવા લાગી. એકડે એકથી કક્કો ઘૂંટાવા લાગી. શાળામાં પોતાને રજા હોય ત્યારે વીણાને ગીતા બે કલાક ભણાવતી.

આમ વીણા ભણવા લાગી. તેને લખતાં-વાંચતાં આવડી ગયું. ગીતાનો ઉપકાર માનતાં વીણા કહેવા લાગી : ‘ગીતાબહેન, પહેલાં હું છતી આંખે અંધ હતી, તમે મને દેખતી કરી, તમે મારી આંખો ઉઘાડી ચોપડીઓની દુનિયા તમે મને દેખાડી. તમારો જેટલો ઉપકાર માનું – એટલો ઓછો છે.’

અરે, પહેલાં ગીતા અભણ વીણાને ભણાવવા બેસતી, ત્યારે તેની બહેનપણીઓ તેની હાંસી ઉડાવતી, કહે : ‘ગીતા, તું નકામો સમય બગાડે છે! આવડી મોટી ઉંમરની-અગિયાર વરસની છોકરી તે ભણતી હશે? પાકા ઘડે તે કદી કાંઠા ચડતા હશે? પરંતુ ગીતાએ પાકા ઘડે કાંઠે ચડાવી દીધા હતા. પછી બધાં તેનું કામ વખાણવાં લાગ્યાં.

અરે, એ વેળાના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના કાને આ ગીતાના આ ઉમદા કામની વાત આવી, એટલે ગીતાના કામને વખાણતાં એક ખાસ ભેટ પોતાના તરફથી ગીતાને મોકલાવી.

ગીતોની અટક છે ‘ખન્ના’.

ગીતા ખન્નાના કામને શાબાશી ઘટે છે. ખરે, ‘ભણે તે ભણાવે’ એ સૂત્રને ગીતાએ આચરણમાં મૂકી બતાવ્યું.

– શિવમ સુંદરમ.