મહાભારતમાં અર્જુન અને ગંધર્વરાજ ચિત્રરથનું યુદ્ધ થયું હતું. અર્જુન યુદ્ધ જીતી ગયો હતો. પાછળથી અર્જુને ચિત્રરથને પૂછ્યું, ‘તમે અમારાથી હારી કેવી રીતે ગયા?’
ત્યારે ચિત્રરથે કહ્યું, ‘તમારા પરિવાર ઉપર પુરોહિતોનાં આશીર્વાદ છે.’
બંને વાતચીત કરી રહ્યા હતા, તે સમયે ગંધર્વરાજે અર્જુનને તપ્તિ નંદન કહી દીધા. અર્જુને પૂછ્યું, ‘તમે મને તપ્તિ નંદન કેમ કહો છો?’
તો ગંધર્વરાજે કહ્યું, ‘સૂર્યદેવને એક પુત્રી હતી તપ્તિ. તમારા વંશમાં સંવરણ નામના રાજા થયા હતા. એકવાર સંવરણે તપ્તિને જોઈ, તો તેમને તપ્તિ સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ, પરંતુ તે સૂર્યદેવની પુત્રી હતી. પોતાની વાત સૂર્યદેવ સુધી પહોંચાડવા માટે સંવરણે આ વાત પોતાના ગુરુ વશિષ્ઠજીને જણાવી. વશિષ્ઠજીએ સૂર્યદેવ સાથે વાત કરી. આ પછી સંવરણ અને તપ્તિના લગ્ન થયા.
ગંધર્વરાજે આગળ કહ્યું, ‘તે દિવસે બધાને ખબર પડી કે જે વંશ પાસે ગુરુઓ, પુરોહિતો અને બ્રાહ્મણોના આશીર્વાદ છે, જે વંશ વિદ્વાનોનો આદર કરે છે, તે વંશના તમામ અટકેલા કાર્યો પૂરા થાય છે. તમારા પિતૃ પુરુષ સંવરણ માટે વશિષ્ઠજીએ સૂર્યદેવ સાથે વાત કરી હતી. તમે મારી સાથે યુદ્ધ પણ જીત્યા છો કારણ કે તમારી સાથે તેમના આશીર્વાદ છે.
બોધ : ગંધર્વરાજ ચિત્રરથે અર્જુનને જે વાતો કહી છે, તેમાં આપણા માટે આ સંદેશ છે કે જેમને ગુરુઓ, વિદ્વાનો, સાધુ સંતો અને વડીલોના આશીર્વાદ હોય છે, તેમના તમામ કાર્યો પુરા થાય છે.
આ માહિતી દૈનિક જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.