કોલેજમાં ભણતા યુવકોના બે જૂથો વચ્ચે થયો જબરજસ્ત ઝગડો, પછી એક વૃદ્ધ માણસે જે કર્યું તે જાણવા જેવું છે

0
304

“ઘરડાં ગાડાં વાળે”

‘ગિરીશ’ નામનો એક છોકરો. ભણીગણીને બી.એ. થયો. બી.એ. થયા પછી શું કરવું? એ ગણતરીએ તેને વિચાર આવ્યો : ‘શિક્ષકનો વ્યવસાય પવિત્ર છે માટે એ વ્યવસાય અપનાવું? પરંતુ. એ માટે બી.એડ. થવું પડે!’ એટલે એ બી.એડ. થવા મોડાસાની કોલેજમાં દાખલ થયો. મોડાસા કંઈ એનું વતન નહોતું, એટલે કોલેજના છાત્રાલયમાં રહેવા લાગ્યો.

છાત્રાલયમાં સરખેસરખા મિત્રો મળે એટલે પછી પૂછવું જ શું? ભણવા સાથે તોફાન તો ચાલે જ. છાત્રાલયના છોકરાઓનો એક નિયમ હતો, અને તે દરરોજ સાંજે ખાધા પછી ફરવા જવાનો – “ઇવનિંગ વૉક’ કરવાનો. એ રીતે ગિરીશ અને તેના ભાઈબંધો સાંજના ખાધા પછી ફરવા નીકળ્યા હતા. શિયાળાના દિવસો હતો. રાતના આઠેક વાગ્યા હશે ને અંધારું બરાબર જામી ગયું. વળી અંધારિયાની રાત્રિ હતી, એટલે આજુબાજુ પૂરેપૂરો અંધકાર છવાઈ ગયો હતો.

ગિરીશ ને તેના ભેરુબંધો છાત્રાલયની તરફ પાછા ફરતા હતા. એમ કરતાં એ લોકો છાત્રાલયની નજીક આવી પહોંચ્યા. વચમાં એક ગરનાળું આવતું હતું. એ ગરનાળું પણ તેમણે જોયું. પરંતુ એ લોકો ગરનાળા પર શું જુએ છે! અડસટે તેમણે જોયું તો ગરનાળાના કોટે કોઈ નવા માણસો બેઠેલા હતા. ગિરીશ ને તેના મિત્રોને કુતૂહલ જાગ્યું, ‘આપણા છાત્રાલયની નજીકના આ ગરનાળાના કોટ ઉપર આ નવા માણસો રાતના કેમ બેઠા હશે? કોણ હશે એ લોકો?’

મિત્રોમાંથી એકથી ન રહેવાયું, તેના ખીસામાં બેટરી હતી. તરત બેટરી કાઢીને તેની ચાંપ દાબી, બેટરીનું અજવાળું પેલા અજાણ્યા માણસો પર ફેંકાયું. હવે આવી રીતે શાંતિથી એકાંતમાં બેઠેલા માણસોનાં માનસ કેવાં હોય છે? કોઈ તેમની શાંતિમાં ખલેલ પહોંચાડે તે એવા લોકોને બિલકુલ પસંદ પડતું નથી. એવું જ કંઈક થયું. પેલા શાંતિથી ગરનાળાના કોટ પર બેઠેલા ત્રણચાર માણસોને પોતાના પર આ રીતે અજવાળું ફેંકાય એ બિલકુલ ન ગમતાં તે ચિડાઈ ગયા. એકે તો રીતસર ગાળો ભાંડવા માંડી.

પછી આ છોકરાઓ ભણેલા હતા ને હવે શિક્ષક થવાના હતા. ને શિક્ષકો બોલવામાં પાછા પડે? આ છોકરાઓએ પણ તેમને સામી ગાળો ચોપડવા માંડી. આમ પછી તો બાપલિયા બરાબર જામી, સામસામી ગાળોની રમઝટ બોલવા માંડી. પેલાનું કહેવું હતું : ‘અમારા પર તમે લાઇટ ફેંકી જ કેમ?’ વિદ્યાર્થીઓમાંથી એક કહે : ‘ભાઈ, અમારો ઇરાદો તમને હેરાન કરવાનો મુદલ ન હોતો. આ તો ગરનાળાના કોટ ઉપર કોણ બેઠું છે, એટલું જ જાણવાનો અમારો હેતુ હતો.’

પરંતુ એક વાર વાગયુદ્ધ શરૂ થયું, પછી તે અટકવું કઠણ. અધૂરામાં પૂરું ગરનાળાના કોટ ઉપર બેઠેલા માણસો પણ તેમની જ કોલેજના છોકરાઓ હતા! પરંતુ બીજા જૂથના. એ પણ છાત્રાલયમાં રહેતા હતા. બીજા જૂથના વિદ્યાર્થીઓનું કહેવું હતું : ‘તમે લોકોએ જાણી જોઈને અમારા પર બેટરીની લાઇટ ફેંકી છે અમને હેરાન કરવા!’ પછી તો છાત્રાલયમાં પણ ઝઘડાની જાણ થઈ. એ પછી પોતપોતાના જૂથના છોકરાઓ પણ આવી ગયા. ને પછી તો રીતસર બે પક્ષો પડી ગયા. જબરો જઘડો જામ્યો. ગાળાગાળી ચાલી. વાગ્ધારા વહેવા માંડી.

એમ જ લાગતું હતું કે હવે મોટો ભડકો થશે, ને વાત મા-રા-મા-રી પર આવશે. જબરો જંગ ખેલાશે. ખૂ-ન-ખા-ર જંગ ખેલાઈ જશે. આ બંને જૂથના વિદ્યાર્થીઓ આમ લડતા-ઝઘડતા હતા, ત્યાં અંધકારને ચીરતો કોઈ ઘરડા પુરુષનો અપરિચિત અવાજ આવ્યો. બધાએ એ બાજુ જોયું તો કોઈ ઘરડો માણસ ઘોડા પર બેસીને એ જગ્યાએથી પસાર થતો હતો. એ શાણા ઘરડા માણસને થયું : ‘આ છોકરાઓ ગાળાગાળી કરે છે, એ ઠીક નથી કરતા. લાવ, આ લોકોનો ઝઘડો શાંત પાડું.

એ ઘરડા માણસની સફેદ લાંબી દાઢી હતી, વિશાળ લલાટ હતું. ચહેરા પર કોઈ દેવદૂત જેવું દિવ્ય તેજ ચમક હતું. તે મોટા સાદે બધા છોકરાઓને સંબોધીને કહેવા લાગ્યા : ‘સુનો બચ્ચો! લડને સે ક્યા ફાયદા? તુમ જુવાન હો! સશક્ત હો! તુમ્હારી ઉંમર અબ પઢને કી હૈ! તુમ અબ પઢને મેં મન લગાઓ ઇસસે તુમ્હારા બહુત કલ્યાણ હોગા, લડને સે દોનો કા બલ દુર્વ્યય હોતા હૈ! એક દૂસરે કો મા-રો-ગે, પિ-ટો-ગે, તો તુમ્હારા હી ખૂ-ન બહેગા, ઇસ સે તુમ કો ક્યા ફાયદા હોગા? વૈસા કરો, જાકે સબ પઢને મેં લગ જાઓ. દિખને મેં આપ શક્તિશાલી નજર આતે હો!’

ખરેખર એ શાણા વૃદ્ધ પુરુષની સમયસરની વાણીની અદ્ભુત અસર થઈ, બંને જૂથના છોકરાઓમાં શાંતિ છવાઈ. ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એવી એક જાણીતી કવિતાની કડી છે. એ ગણતરીએ આ પુરુષ એ બધાને શાંતિ પમાડનાર સંત પુરુષ જ લાગ્યા .

આ પછી ગિરીશ બી.એડ. થઈને શિક્ષક થયો છે. આ પાવક પ્રસંગને યાદ કરતા તેણે લખ્યું છે, ‘પેલા ઘરડા માણસની સમયસરની મધુર વાણીએ અમારા પર જાદુઈ અસર કરી. બન્ને વિદ્યાર્થીઓના જૂથ ચુપચાપ છાત્રાલયમાં પાછા ફર્યા.

શાંતિથી પેલા દેવદૂત જેવા શાણા ઘરડા માણસની તૂટીફૂટી હિંદી ભાષા અમારા પર એટલી બધી અસર કરી ગઈ કે ત્યાર બાદ અમારામાંથી કોઈએ એકબીજા સામે નફરતની નજરે જોવાની હિંમત કરી નહીં. મારગ પરથી પસાર થતા આવા કોઈ શાણા પુરુષને જોઉં છું ત્યારે જૂની પેઢી પ્રત્યે અમુક લાગણી થાય છે, અને “ઘરડાં ગાડાં વાળે” એ કહેવત સાવ સાચી લાગે છે.’

– શિવમ સુંદરમ.