ખુબ જ સુંદર મહિલાએ વિમાનમાં બંને હાથ વગરના વ્યક્તિનું કર્યું અપમાન, પછી જે થયું તે જાણવા જેવું છે.

0
451

એક ખૂબ જ સુંદર મહિલા વિમાનમાં દાખલ થઈ અને પોતાની સીટને શોધવા માટે આમતેમ જોયું. તેણે જોયું કે તેની સીટ એક એવી વ્યક્તિની બાજુમાં છે, જેના બંને હાથ નથી. મહિલાએ વિકલાંગ વ્યક્તિની પાસે બેસવામાં સંકોચ અનુભવ્યો. તે સુંદર મહિલાએ એરહોસ્ટેસને કહ્યું, હું આ સીટ પર આરામથી મુસાફરી કરી શકીશ નહીં. કારણ કે બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિના બંને હાથ નથી.

તે સુંદર મહિલાએ એરહોસ્ટેસને પોતાની સીટ બદલી આપવા માટે આગ્રહ કર્યો. સંકોચ સાથે એરહોસ્ટેસે પૂછ્યું, “મૅડમ, તમે મને યોગ્ય કારણ જણાવી શકો છો?” સુંદર મહિલાએ જવાબ આપ્યો, “હું આવા લોકોને પસંદ નથી કરતી. હું આવા વ્યક્તિની બાજુમાં બેસીને મુસાફરી નહીં કરી શકું.”

દેખાવે ભણેલી-ગણેલી અને પહેલી નજરે વિનમ્ર દેખાતી મહિલાની આ વાત સાંભળીને એરહોસ્ટેસ આશ્ચર્યચકિત થઈ ગઈ. મહિલાએ ફરી એકવાર એરહોસ્ટેસને ભાર દબાઈને કહ્યું કે, “હું એ સીટ પર નહીં બેસી શકું. એટલા માટે મને કોઈ બીજી સીટ આપો.” એરહોસ્ટેસે ખાલી સીટની શોધમાં આજુબાજુ જોયું, પણ કોઈ પણ ખાલી સીટ દેખાઈ નહી.

એરહોસ્ટેસે મહિલાને કહ્યું કે, “મેડમ આ ઈકોનોમી ક્લાસમાં કોઈ સીટ ખાલી નથી, પરંતુ મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે. એટલે હું પ્લેનના કેપ્ટન સાથે વાત કરું છું. મહેરબાની કરીને ત્યાં સુધી થોડી ધીરજ રાખો.” આટલું કહીને હોસ્ટેસ કેપ્ટન પાસે વાત કરવા ગઈ.

થોડા સમય પછી, પાછા આવ્યા પછી એરહોસ્ટેસે તે મહિલાને કહ્યું, “મેડમ! તમને થયેલી અસુવિધા માટે હું ખૂબ જ દિલગીર છું. આ આખા પ્લેનમાં માત્ર એક સીટ ખાલી છે અને તે ફર્સ્ટ ક્લાસની છે. મેં અમારી ટીમ સાથે વાત કરી અને અમે એક અસાધારણ નિર્ણય લીધો છે. અમારી કંપનીના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મુસાફરને ઈકોનોમી ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં મોકલવાનું કામ થઈ રહ્યું છે.”

‘ઘણું સરસ…’ મહિલા ખૂબ જ ખુશ થઈ ગઈ. પરંતુ એ પહેલા કે તે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે અને એક શબ્દ પણ બોલે તે પહેલાં એરહોસ્ટેસ તે વિકલાંગ અને વ્યક્તિ તરફ આગળ વધી અને નમ્રતાથી તેમને પૂછ્યું, “સર, શું તમે ફર્સ્ટ ક્લાસમાં જઈ શકશો? કારણ કે અમે નથી ઈચ્છતા કે તમે એક અસંસ્કારી મુસાફર સાથે મુસાફરી કરીને હેરાન થાઓ.”

આ સાંભળીને તમામ મુસાફરોએ તાળીઓ પાડીને આ નિર્ણયને આવકાર્યો. તે ખૂબ જ સુંદર દેખાતી મહિલા હવે શરમને કારણે આંખો પણ ઊંચી કરી શકતી નહોતી.

પછી એ વિકલાંગ માણસ ઉભો થઈને બોલ્યો, “હું એક ભૂતપૂર્વ સૈનિક છું. અને મેં એક ઓપરેશન દરમિયાન કાશ્મીર બોર્ડર પર મારા બંને હાથ ગુમાવ્યા હતા. સૌથી પહેલા તો જ્યારે મેં આ દેવીજીની વાત સાંભળી ત્યારે હું વિચારમાં પડી ગયો હતો કે, મેં કોની સલામતી માટે પોતાનો જીવ જોખમમાં મુકીને મારા હાથ ગુમાવ્યા? પરંતુ જ્યારે મેં તમારા બધાની પ્રતિક્રિયા જોઈ, તો મને હવે મારી જાત પર ગર્વ થાય છે કે મેં મારા દેશ અને દેશવાસીઓ માટે મારા બંને હાથ ગુમાવ્યા છે.”

અને આટલું કહીને તે ફર્સ્ટ ક્લાસમાં ચાલ્યો ગયો. તે સુંદર મહિલા પુરેપુરી અપમાનિત થઈને માથું નમાવીને સીટ પર બેસી ગઈ.

જો વિચારોમાં ઉદારતા ન હોય, તો આવી સુંદરતાની કોઈ કિંમત નથી.

પ્રિવ્યુ ફોટો પ્રતીકાત્મક છે.