આ મંદિરમાં ઘડિયાળ અર્પણ કરવાથી દૂર થાય છે ખરાબ સમય, લાગે છે લોકોની ભીડ.

0
546

જાણો એક એવા મંદિર વિષે જ્યાં લોકો પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે છે ચડાવે છે ઘડિયાળ, ભટકેલા લોકોને રસ્તો દેખાડે છે યક્ષ.

આપણા દેશમાં ઘણા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે, પરંતુ કેટલાક મંદિરો પોતાનામાં એકદમ વિચિત્ર છે. આવું જ એક મંદિર મધ્યપ્રદેશના મંદસૌર (Mandsaur) જિલ્લામાં આવેલું છે. આ મંદિર જિલ્લાના ચિરમોલિયામાં એક વડના ઝાડની નીચે બનેલું છે.

મંદસૌરના આ મંદિરમાં ન તો કોઈ દેવી-દેવતાની મૂર્તિ છે કે ન તો કોઈ પૂજારી બેસે છે. પરંતુ લોકો અહીં શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને માનતા માને છે. તેને સગસ બાવજીનું મંદિર (Sagas Bavji Temple) કહેવામાં આવે છે. સ્થાનિક લોકોના મતે સગસ બાવજીને શાસ્ત્રોમાં યક્ષ કહેવામાં આવ્યા છે, જે સંપત્તિની રક્ષા કરે છે. એવું કહેવાય છે કે અહીં યક્ષ ભૌતિક સ્વરૂપમાં દેખાય છે, જે ભટકેલા લોકોને રસ્તો દેખાડે છે.

અહીં લોકો ઘડિયાળ ચડાવે છે : સ્થાનિક લોકોનું કહેવું છે કે જેમનો સમય ખરાબ ચાલી રહ્યો હોય છે, એટલે કે જેમના પર કોઈ મુશ્કેલી આવી હોય છે તેઓ અહીં આવીને ઘડિયાળ ચઢાવે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી તેમનો ખરાબ સમય દૂર થઈ જશે. ઘણા લોકોનું કહેવું છે કે આવું થાય પણ છે.

અહીં મોટી સંખ્યામાં ઘડિયાળ જોવા મળે છે. જ્યારે ઘડિયાળોની સંખ્યા ઘણી વધી જાય છે, ત્યારે તેને નદીમાં પધરાવી દેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ આ ઘડિયાળોને ઘરે નથી લઈ જતા. પહેલા તો અહીં માત્ર એક ચબુતરો હતો. પણ થોડા સમય પહેલા લોકોએ અહીં મંદિર બનાવી દીધું છે.

આવી પણ એક માન્યતા છે : અહીંની ખાસ વાત એ છે કે આ મંદિરમાં કોઈ તાળું નથી લગાવતું. અહીં ચડાવેલી ઘડિયાળો કોઈ ચોરી કરતું નથી. એક દંતકથા અનુસાર એકવાર એક વ્યક્તિએ 5 ઘડિયાળો ચોરી કરી હતી તો તે અંધ બની ગયો હતો. તેણે પોતે લોકોને ચોરી વિશે જણાવ્યું હતું. પાછળથી, જ્યારે તે અહીં આવ્યો અને દસ ઘડિયાળ પર ચડાવી ત્યારે તેને દેખાવાનું શરૂ થયું હતું.

અહીં આવનાર લોકોની અનેક પ્રકારની મનોકામનાઓ પણ પૂરી થાય છે. એવું કહેવાય છે કે, નિઃસંતાન મહિલાઓને અહીં સંતાન પ્રાપ્તિ થાય છે. ખોવાયેલી વસ્તુ પણ અહીં માનતા માનવાથી મળી જાય છે. આ જ કારણ છે કે આ મંદિરમાં દૂર-દૂરથી લોકો પોતાની મનોકામનાઓ લઈને આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

કેવી રીતે પહોંચવું? મંદસૌર મધ્યપ્રદેશના મુખ્ય જિલ્લાઓમાંનો એક છે. અહીં રોડ માર્ગ અને રેલવે માર્ગ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.