પંડિતની બકરી જોઈને ઠગે કહ્યું કૂતરું છે, બીજાએ કહ્યું વાછરડું છે, જાણો પછી પંડિતે શું કર્યું

0
2570

સ્વાર્થી અને ઠગ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ અને તેમની વાતમાં આવીને કોઈ કામ ન કરવું જોઈએ, નહીં તો આપણું જ નુકસાન થઈ શકે છે. આજે આ સીરિઝ અંતર્ગત અમે તમને એક એવી ઘટના જણાવી રહ્યા છીએ, જેનો સાર એ છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ અને તેની વાતમાં આવીને કોઈ કામ કરવું જોઈએ નહીં.

જ્યારે પંડિતને ઠગોએ મૂર્ખ બનાવ્યા :

એક સમયે એક ગામમાં એક વિદ્વાન પંડિત રહેતા હતા. પૂજા-પાઠ વગેરે કરાવીને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ નજીકના ગામમાં એક શેઠે પંડિતજીને તેમના ઘરે પૂજા માટે બોલાવ્યા. પૂજાથી ખુશ થઈને શેઠે પંડિતજીને એક બકરી દાનમાં આપી.

બકરીને લઈને પંડિતજી પણ ખૂબ ખુશ થયા અને તેને ખભા પર લઈને પોતાના ગામ જવા રવાના થયા. જ્યારે ત્રણ ઠગોએ પંડિતજીને રસ્તામાં એક બકરી લઈને જતા જોયા, ત્યારે તેઓએ પંડિતજીને મૂર્ખ બનાવવા અને બકરીને પડાવી લેવાનું વિચાર્યું. આ માટે ત્રણેય ઠગોએ એક પ્લાન બનાવ્યો હતો.

એક ઠગ પંડિતજી પાસે ગયો અને કહ્યું, આ કૂતરાને ખભા પર લઈને ક્યાં જઈ રહ્યા છો?

આ સાંભળીને પંડિતજી હસવા લાગ્યા અને બોલ્યા, “આ બકરી છે, કૂતરો નથી, તને એ પણ ખબર નથી?”

ઠગે કહ્યું, “ના, પંડિતજી, આ કૂતરો છે.” તેની વાતને અવગણીને પંડિતજી આગળ વધ્યા.

થોડી વાર પછી બીજો ઠગ પંડિત પાસે આવ્યો અને તેણે કહ્યું, “પંડિતજી, તમે મ-રે-લા વાછરડાને તમારા ખભા પર ક્યાં લઈ જાઓ છો?”

આ વખતે પંડિતજી ગુસ્સે થયા અને બોલ્યા, “તું બિલકુલ મૂર્ખ દેખાય છે, આ બકરી છે વાછરડું નથી.”

બીજા ઠગે કહ્યું, “મને તો જે દેખાયું તે જ કહ્યું.” આટલું કહીને બીજો ઠગ પણ ત્યાંથી ચાલ્યો ગયો.

થોડી વાર પછી ત્રીજો ઠગ પંડિતજી પાસે આવ્યો અને બોલ્યો, “પંડિતજી, તમે આટલા વિદ્વાન છો, છતાં તમે તમારા ખભા પર ક્યા પ્રાણીનું હાડપિંજર લઈ ફરી રહ્યા છો? જો કોઈ તમને આ રીતે જોશે, તો તે તમારું સન્માન નહીં કરે.”

પંડિતે કહ્યું, “આ હાડપિંજર નથી, બકરી છે. તને દેખાતું નથી.”

ત્રીજા ઠગે કહ્યું, “મને તો જે દેખાયું, તે જ કહ્યું.” આટલું કહીને ત્રીજો ઠગ પણ ત્યાંથી ચાલ્યો ગયો.

આ પછી પંડિતજી વિચારમાં પડી ગયા. તેઓએ વિચાર્યું કે આ બકરી નથી, પરંતુ કોઈ માયાવી પ્રાણી છે, જે સમયાંતરે તેનું સ્વરૂપ બદલી રહ્યું છે. પંડિતે તરત જ બકરીને નીચે ઉતારી અને પોતાના ગામ તરફ ઝડપથી ચાલવા લાગ્યો. આ પછી ત્રણેય ઠગોએ બકરી લઈ લીધી.

સ્ટોરીનો નિષ્કર્ષ એ છે કે…

આપણે એવા લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ, જેને આપણે જાણતા નથી. આવા લોકો પોતાના ફાયદા માટે કંઈ પણ કરી શકે છે. જે આપણને નુકસાન પણ કરી શકે છે. આવી બાબતોમાં પોતાના વિશ્વાસુ લોકોનો અભિપ્રાય અવશ્ય લેવો જોઈએ.